Blue Origin: સ્પેસ વિશ્વના ટોચના ઉદ્યોગસાહસિકો અને સૌથી ધનિક લોકો વચ્ચે સ્પર્ધાના નવા ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. આ અગાઉના વર્ષોમાં એલન મસ્ક, જૈફ બેઝોસ, રિચર્ડ બ્રેન્સન જેવા અબજોપતિઓની કંપનીઓએ અવકાશ માટેની સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી છે. આ દરમિયાન બેઝોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજીને એક નવું મિશન પૂરું કર્યું છે. આ મિશનની ખાસ વાત તેનું ભારતીય જોડાણ છે.


આ કારણે મહત્વનું બન્યુ મિશન  
જૈફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજીનનું ન્યૂ શેફર્ડ-25 અથવા NS-25 મિશન રવિવાર, 19 મેના રોજ પૂર્ણ થયું હતું. આ મિશન બેઝોસ અને તેમની કંપની માટે ખૂબ જ ખાસ હતું, કારણ કે લગભગ બે વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2022માં રૉકેટમાં ખામી સર્જાઈ ત્યારે તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. તે દુર્ઘટના પછી જૈફ બેઝોસની કંપનીને માણસો સાથે 25મી અવકાશ ઉડાન કરવા માટે વધારાના બે વર્ષ રાહ જોવી પડી હતી.


ગોપીચંદના નામે આ કીર્તિમાન 
બ્લૂ ઓરિજીન ન્યૂ શેફર્ડ પ્રૉગ્રામની આ 7મી ફ્લાઇટ 6 ક્રૂ સભ્યોની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભારતીય ઉદ્યોગસાહસિક અને પાઇલટ ગોપીચંદ તોઠાકુરા પણ સામેલ હતા. આમ ગોપીચંદ અવકાશમાં જનારા ઇતિહાસમાં બીજા ભારતીય બન્યા. રાકેશ શર્માનું નામ અવકાશમાં જનારા પ્રથમ ભારતીય તરીકે નોંધાયેલું છે, જેમણે 1984માં રશિયન એરક્રાફ્ટ સૉયુઝ ટી-11માં આ રેકોર્ડ હાંસલ કર્યો હતો.


કોણ છે ગોપીચંદ ?
ગોપીચંદ આંધ્રપ્રદેશના વિજયવાડાના રહેવાસી છે. તેઓ ભારતના બીજા નાગરિક અને અવકાશમાં જનારા પ્રથમ નાગરિક ભારતીય બન્યા છે. ગોપીચંદ પ્રિઝર્વ લાઇફ કૉર્પોરેશનના સહ-સ્થાપક છે. પ્રિઝર્વ લાઇફ કોર્પોરેશન એ હાર્ટ્સફિલ્ડ-જેકસન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્થિત એક સર્વગ્રાહી સુખાકારી અને લાગુ આરોગ્ય કેન્દ્ર છે.


આ લોકોએ પણ ભરી હતી ઉડાન 
તેમની સાથે આ મિશનમાં સામેલ અન્યોમાં યુએસ એરફોર્સના ભૂતપૂર્વ પાઇલટ એડ ડ્વાઇટ, મેસન એન્જલ, વેન્ચર કેપિટલ ફર્મ ઇન્ડસ્ટ્રિયસ વેન્ચર્સના સ્થાપક, સિલ્વિઆન ચિરોન, ફ્રેન્ચ ક્રાફ્ટ બ્રુઅરી બ્રાસેરી મોન્ટ બ્લેન્કના સ્થાપક, સોફ્ટવેર એન્જિનિયર કેનેથ હીસ અને નિવૃત્ત પબ્લિક એકાઉન્ટન્ટ કેરોલ શેલર હતા.


સ્પેસ ટૂરિઝમ પર બેઝોસનો ફૉકસ 
જૈફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજીન 2000માં શરૂ થઈ હતી. આ કંપનીનું ફોકસ સ્પેસ ટૂરિઝમ પર છે. કંપની એલન મસ્કની સ્પેસએક્સ અને રિચાર્ડ બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિક જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરે છે. સ્પેસ ટુરિઝમ ક્રૂ મેમ્બર્સને કર્મન લાઇનમાં લઈ જાય છે, જે પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા માનવામાં આવે છે.