MS Dhoni IPL Retirement Update: એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈએ કુલ પાંચ આઈપીએલ ટ્રૉફી જીતી છે, પરંતુ આ સિઝન એટલે કે IPL 2024માં ધોનીએ ચેન્નાઈની કમાન સંભાળી ના હતી. ધોનીની જગ્યાએ યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ સીએકેની કમાન સંભાળતો જોવા મળ્યો હતો. ગાયકવાડની કેપ્ટનશીપમાં ચેન્નાઈ પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ શકી નથી. હવે આ દરમિયાન ધોનીની IPL નિવૃત્તિ પર એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ચેન્નાઈએ IPL 2024ની છેલ્લી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરું સામે રમી હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોએ કહ્યું હતું કે ધોનીની આ છેલ્લી IPL મેચ હતી. જોકે, ધોનીએ IPL નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ હવે માહીની નિવૃત્તિ સાથે જોડાયેલું એક મોટું અપડેટ આવ્યું છે.
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના એક અહેવાલ અનુસાર, ધોનીએ ચેન્નાઈમાં કોઈને કહ્યું ના હતું કે તે સંન્યાસ લઈ રહ્યો છે. ધોનીએ મેનેજમેન્ટને કહ્યું કે અંતિમ નિર્ણય લેતા પહેલા તે થોડા મહિના રાહ જોશે.
આ રિપોર્ટ અનુસાર કહી શકાય કે ધોની આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સિઝનમાં ધોની ચેન્નાઈની જર્સીમાં જોવા મળે છે કે તે પહેલા ક્રિકેટને અલવિદા કહી દે છે.
2023માં ચેન્નાઇએ ધોનીની કેપ્ટનશીપમાં જીત્યો હતો ખિતાબ
નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે ગત સિઝનમાં એટલે કે આઈપીએલ 2023માં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. 2023માં ચેન્નાઈની જીત બાદ એવું માનવામાં આવતું હતું કે ધોની ક્રિકેટને અલવિદા કહી દેશે, પરંતુ તેણે એવું ના કર્યું અને ચાહકોને ભેટ આપતા IPL 2024માં પરત ફર્યો. ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેણે IPL રમવાનું ચાલુ રાખ્યું હતું.