Morbi News: મોરબીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શહેરમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. માતા-પિતા અને પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સામુહિક આપઘાતની ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. સવારના સમયે પરિવારે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું હતું. જોકે પરિવારે કયા કારણોસર આ પગલું ભર્યુ તે જાણી શકાયું નથી. ઘટનાના પગલે મોરબી એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
મૃતકોના નામ
- હરેશ દેવચંદ કાનાબાર
- વર્ષાબેન હરેશભાઈ કાનાબાર
- હર્ષ હરેશભાઈ કાનાબાર
શું છે મામલો
મોરબી શહેરમા રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે આવેલ વસંત પ્લોટમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પત્નિ અને પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, હોલ અને કિચનમાં અલગ અલગ જગ્યાએ સામુહિક રીતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઇ છહતી. બનાવને પગલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ચકિયા હનુમાન મંદિર સામે વસંતપ્લોટમા આવેલ રોયલ પેલેસ નામના ફ્લેટમાં ચોથા માળે રહેતા હરેશભાઇ દેવચંદભાઈ કાનાબાર, ઉ.57, તેમના પત્ની વર્ષાબેન હરેશભાઇ કાનાબાર ઉ.55 અને પુત્ર હર્ષ હરેશભાઇ કાનાબાર ઉ.20એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ફેલટમાં ગળેફાંસો ખાઈ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનું મૃતકના ભાઈ પંકજભાઈ કાનાબારે પોલીસને જાણ કરતા ગંભીર બનાવ મામલે મોરબી જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો વસંતપ્લોટ ખાતે બનાવ સ્થળે દોડી આવ્યો હતો.
મૃતક હરેશભાઇને હાર્ડવેરની દુકાન હોવાનું તેમજ બે દિવસ પહેલા જ પુત્ર હર્ષનો જન્મ દિવસ હોવાનું નજીકના પરિવારજનોએ જણાવ્યું હતું. બીજી તરફ પોલીસને બનાવ સ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું અને સ્યુસાઇડ નોટમાં પરિવારના આ પગલાં માટે કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે, હાલમાં પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી છે.
ચોંકાવનારી બાબત એ છે કે, સામુહિક આપઘાત કરી લેનાર દંપતીએ કઠણ કાળજે આ અંતિમ પગલું ભરવા માટે ત્રણેય વ્યક્તિએ ફ્લેટમાં અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો જેમા એક વ્યક્તિ બેડરૂમમાં, એક વ્યક્તિ હોલમાં અને એક વ્યક્તિએ રસોડામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં પોલીસે આ ગંભીર બનાવમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.