Dahod: હાલ સમાજમાં આડા સંબંધોના કેસો વધી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, આ સંબંધોમાં પ્રેમી કે પ્રેમિકાને પામવા માટે પતિ અથવા તો પત્નીની હત્યાના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. દાહોદમાં વિધર્મી પ્રેમીને પામવા પરિણીતાએ તેના પતિની હત્યા કરી હતી. પરિણીતા  વિધર્મીના પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગઈ હતી કે પતિનો કાયમી કાંટો કાઢી નાંખવાનો નિર્ણય કરી લીધો. જેથી તેણીએ પતિને થતી નાની મોટી તકલીફ માટે ટ્રીટમેન્ટ તરફ દોરી જતી હતી. બીજી બાજુ આ તેના ઘરમાં થતી તમામ ગતિવિધિઓ અને તેના પતિને પડતી તકલીફોની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી રાજકોટ બેઠેલા પ્રેમી ઇન્ઝમામ સુધી પહોંચાડતી હતી.


છોકરીએ આવી રીતે મારા ભાઈને મરાવી નાંખ્યો તો શું કરવાનું ?


આ અંગે મૃતકની બહેને કહ્યું, કેવી બાયડી હશે કે બીજા છોકરા સાથે પ્રેમસબંધ માટે પોતાના પતિની જ હત્યા કરી દીધી. બીજા પુરુષ સાથેના સબંધમાં પતિને જ પતાવી દીધો હોય તો કેવી ખરાબ કહેવાય બાયડી. મારા ભાઈ પાસેથી પૈસા લઈને બીજા છોકરા પાછળ વાપરતી હોય તો શું ખબર. મારા ભાઈને ડરાવી ધમકાવીને રાખતી હોય તો શું ખબર. મારાભાઈની ઉંમર 25 વર્ષ હતી. મારો ભાઈ કેટલી નાની ઉંમરનો હતો અને એને ભાગી જવું હતું તો મારા ભાઈને કેમ મારી નાખ્યો? એમણે શું ગુનો કર્યો હતો? બન્નેને સજા મળવી જોઈએ. સાહેબ, મારા પપ્પા નથી. હું 10માં ધોરણમાં ભણતી હતી ત્યારે મારા પપ્પા ગુજરી ગયા છે અને મારા મમ્મી ખેતીકામ કરે છે. તેમણે જ અમને મોટા કર્યા. મારી મમ્મી પર શું વીતે? છોકરાના ભરોસે જીવવા છોકરાને મોટો કર્યો હતો. છોકરીએ આવી રીતે મારા ભાઈને મરાવી નાંખ્યો તો શું કરવાનું. 


મૃતક ક્યાંનો છે વતની ?


મૃતક રોહિત બામણીયા મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામનો રહેવાસી હતો. વર્ષ 2010માં તેના પિતાનું અવસાન થઈ ગયું હતું. રોહિતના પિતાના બાદ તેને સરકારના રહેમરાહ હેઠળ 2017માં રેલવે ટ્રેક મેન એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. 2017માં રોહિત અને અનુરાધાના લગ્ન થયા અને છેલ્લા પાંચ વર્ષથી રોહિત અને અનુરાધા પરિવારથી દૂર અમદાવાદના ખોખરા વિસ્તારમાં રેલવે કોલોની ખાતે રહેતા હતા. જો કે લગ્નના પાંચ વર્ષ થઈ ગયા હોવાછતાં તેમને કોઈ સંતાન નહોતું. લગ્નના થોડા સમય બાદ રોહિતની પત્ની અનુરાધા સોશિયલ મીડિયા દ્વારા રાજકોટના ઇન્ઝમામ ખ્યારના સંપર્કમાં આવી હતી. ઇન્ઝમામ અને અનુરાધા અવારનવાર સોશિયલ મીડિયા થકી વાતચીત કરતા હતા અને આ વાતચીત આગળ જતા પ્રેમમાં પરિણમી હતી. જેનો કરૂણ અંજામ પતિની હત્યા દ્વારા આવ્યો હતો.