Ahmedabad cyber fraud case: અમદાવાદ સાયબર ક્રાઇમે શેરબજારમાં રોકાણના નામે એક વૃદ્ધ પાસેથી 59 લાખ રૂપિયા પડાવી લેનાર ઠગ ગેંગના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ બેન્ક એકાઉન્ટ ભાડે આપીને આ ગુનામાં સામેલ હતા. તેઓ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી એક ઓફિસમાંથી પણ બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 200થી વધુ બેન્ક એકાઉન્ટ મળી આવ્યા છે, જે એકાઉન્ટ વિરુદ્ધ સમગ્ર ભારતમાં 550થી વધુ ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ક્રાઇમ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


13 જાન્યુઆરીએ અમદાવાદના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શેરબજારના એક ગ્રુપમાં જોડાયા હતા. જેમાં રોકાણની ટીપ્સ આપીને મોટો નફો કરાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ બનાવટી એપ્લિકેશન ખોલાવી તેના દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ કરાવી ખોટી રીતે મોટો નફો બતાવતા હતા. શરૂઆતમાં ફરિયાદીને નફો વિડ્રો પણ થતો હતો, જેના કારણે તેમને વિશ્વાસ આવી ગયો હતો. આથી, ફરિયાદીએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં 59.06 લાખ રૂપિયા ભર્યા હતા, જે પછી પરત મળ્યા ન હતા અને તેમની સાથે છેતરપિંડી થઈ હતી. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


સાયબર ક્રાઇમે આ કેસમાં પ્રકાશ પરમાર, પ્રિયંક ઠક્કર અને કેવલ ગઢવી નામના આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અમદાવાદના રહેવાસી છે. પ્રકાશ પરમારે આ ગુનામાં પોતાનું એકાઉન્ટ કમિશન પેટે આપ્યું હતું, જેમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના પૈસા રાખવામાં આવતા હતા, જેના બદલામાં પ્રકાશને ભાડું મળતું હતું. આ એકાઉન્ટમાં ફરિયાદીના 28 લાખ રૂપિયા આવ્યા હતા, જે પ્રકાશે ઉપાડીને ગોવિંદ નામના વ્યક્તિને આપ્યા હતા. પ્રિયંક ઠક્કર નામના આરોપીએ પ્રકાશનું બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં સાયબર ફ્રોડ અને ઓનલાઈન ગેમિંગના પૈસા જમા કરાવવા માટે ગોવિંદ અને અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. પૈસા આવતા પ્રિયંકે પ્રકાશ સાથે જઈને 28 લાખ ચેક દ્વારા ઉપાડીને અન્ય આરોપીને મોકલ્યા હતા. કેવલ ગઢવી અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં સેફરોન ટાવરમાંથી ઓફિસ ચલાવીને બેંક ખાતા અપડેટ કરતો હતો.


સેફરોન ટાવર ખાતેની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી 12 મોબાઈલ ફોન, 46 અલગ અલગ બેંકની પાસબુક, 33 ડેબિટ કાર્ડ, 17 અન્ય પાસબુક, 38 સીમકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, 37 લાખ રોકડા, કેશ કાઉન્ટિંગ મશીન, સ્વાઇપ મશીન, લેપટોપ સહિત કુલ 37.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ ગુનાના અન્ય આરોપીના ઘરે તપાસ કરતા ત્યાંથી અલગ અલગ બેંકની 112 જેટલી ચેકબુક, 48 પાસબુક, 28 ક્રેડિટ કાર્ડના કીટ, 11 સીમ કાર્ડ, 89 માર્કશીટ, સર્ટિફિકેટ, લેટરપેડ અને 3 સ્ટેમ્પ મળી આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 200 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, જેની તપાસ કરતા દેશભરમાંથી ડિજિટલ એરેસ્ટ, શેરબજાર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને અન્ય ફ્રોડ એક્ટિવિટીની આ એકાઉન્ટ વિરુદ્ધમાં 550થી વધારે ફરિયાદ નોંધાયેલી છે, જે બાબતે હાલ તપાસ ચાલી રહી છે. આ ગુનાના મુખ્ય આરોપીઓ વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા પોતાની ખોટી ઓળખ ઉભી કરીને અલગ અલગ પ્રકારની વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી ઇન્વેસ્ટમેન્ટ કરાવી વધુ નફાના બહાને લોકો સાથે છેતરપિંડી કરે છે. અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ લોકો પાસેથી કમિશન પર બેન્ક એકાઉન્ટ ખોલાવી છેતરપિંડીના પૈસા ટ્રાન્સફર કરાવે છે તેમજ રોકડ રૂપિયા ઉપાડી તે પૈસા અલગ અલગ રીતે જુદા જુદા વ્યક્તિઓને મોકલી આપી તે ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી પોતે મેળવી લે છે. આ ગુનામાં એશિયાના અલગ અલગ દેશોના આરોપીઓ સંડોવાયેલા છે, જેની હાલ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો....


મહાકુંભમાં ઝુંસી વિસ્તારમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ વચ્ચે સિલિન્ડર બ્લાસ્ટથી અંધાધૂંધી