DAHOD : દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની હિસાબી શાખામાંથી ચેકની ચોરી કરી 65 લાખની ઉચાપત કેસનો ફતેપુરા પોલીસે ભેદ ઉકેલ્યો  છે અને  ચાર આરોપીઓની ધરપકડ કરી 65.15 લાખની રિકવરી કરવામાં આવી છે. 


દાહોદ જિલ્લાની ફતેપુરા તાલુકા પંચાયતની એકાઉન્ટ કચેરીમાંથી ચેકની ચોરી કરીને ઝાલોદ SBI બેન્કમાં 65.15 લાખનો ચેક વટાવીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. આ ઘટના બાદ આવતા જિલ્લા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.  


આ ઘટનામાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી.ઝાલોદ ASP વિજયસિંહ ગુર્જર અને ફતેપુરા પોલીસે ઉચાપત કેસમાં તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવતા ગણતરીના દિવસોમાં જ 65.15 લાખની ઉચાપત મામલાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરીને ઉચાપતના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો.ચાર આરોપી પાસેથી પોલીસે 65.15 લાખ રૂપિયાની રિકવરી કરી હતી.


આ ચાર આરોપીઓમાં રાજેશના ઘરેથી 15,20,000, પ્રદીપ પાસેથી 22,87,000,પુષ્પેન્દ્ર પાસેથી 22,88,000 અને ઝાલોદના ફિરદોષના ઘરેથી પોલીસે 4,20,000 મળીને 65.15 લાખની રિકવરી કરી છે. 


આ ઉચાપત કેસના  આરોપીઓ સાથે ઝાલોદ નગરના રહેવાસી ફિરદોસ ધડાની સંડોવણી બહાર આવી હતી.તેણે  પોતાની બે કંપનીના ખાતામાં 65.15 લાખ ટ્રાન્સફર કરીને રોકડ રૂપિયાં આપવા પેટે 7 ટકા લેખે કમિશન લીધી હોવાનું તપાસમાં આવ્યું હતું.  બેંક સહિતના અન્ય કોઈ કર્મચારીની ભૂમિકા અંગેની આગળ તપાસ ચાલુ રહેશે.   


સુરતમાં 5 વર્ષની બાળકી સિક્કો ગળી જતા મચી દોડધામ
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં બાળકી સિક્કો ગળી જતા અરેરાટી મચી ગઈ હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. બાળકીનું નામ જાગૃતિ પાટીલ છે અને તે 5 વર્ષની છે. સિવિલમાં તેનો એક્સ-રે  કાઢવામાં આવ્યો હતો. જેમાં ગળામાં સિક્કો જોવા મળ્યો હતો. સિનિયર કેજીમાં ભણતી જાગૃતિ પાટીલ રમતા રમતા સિક્કો ગળી ગઈ હતી. ઊલટી થવા માંડતા પરિવારજનોએ સિવિલમાં દાખલ કરી હતી. સિવિલમાં લવાયેલી આ બાળકીની અન્નનળીમાં સિક્કો ફસાયો હોવાનું નિદાન થયું હતું.  ત્યાર બાદ ઇએનટી ડૉક્ટરે ફસાયેલા સિક્કાને દુરબીનની મદદથી બહાર કાઢી લીધો હતો. જે બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.