રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થા સંભાળવી અને ટ્રાફિકનું સંચાલન કરવું દિલ્લી પોલીસનું કામ છે. પણ દિલ્લી પોલીસ ખુદ કાયદાને પોતાના હાથમાં લેવા લાગે તો અપરાધીઓ પર કઈ રીતે કાબુ આવશે તે મોટો સવાલ છે. દિલ્લી પોલીસના એક ટ્રાફિક ઈન્સપેક્ટરે હૌજ ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ ટ્રાફિક ઈન્સપેક્ટરને મારવા બદલ દિલ્લી પોલીસના જ 2 પોલીસકર્મીઓ સામે નોંધવામાં આવી છે.
દિલ્લી પોલીસના બે પોલીસકર્મીઓ પર નોંધવામાં આવેલી આ ફરિયાદ મુજબ બંને પોલીસકર્મીઓએ રોન્ગ સાઈડમાં ગાડી પાર્ક કરી હતી અને ટ્રાફિક ઈન્સપેક્ટરે તેમને દંડ ફટકાર્યો તો કોન્સટેબલ અશોક અને હેડ કોન્સટેબલ સરનામે ટ્રાફિક ઈન્સપેક્ટરને તમાચા માર્યા હતા. આ ઘટના બાદ બંને પોલીસ કર્મચારીઓ સામે મારપીટ કરવાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
દિલ્લી પોલીસે જણાવ્યા પ્રમાણે ખાનપુર વિસ્તારમાં થતી રોજની ટ્રાફિક સમસ્યાના કારણે ટ્રાફિક પોલીસે અભિયાન ચાલુ કર્યું હતું. આ અભિયાન હેઠળ જ ટ્રાફિક ઈન્સપેક્ટર રાજેન્દ્ર ટ્રાફિક સર્કલ સી.આર પાર્ક પાસે ડ્યુટીમાં હતા અને તેમણે રસ્તા પર રોન્ગ સાઈડમાં એક કાર પાર્ક કરેલી જોઈ હતી. ઈન્સપેક્ટરે કારમાં બેઠાલા લોકોને કાર હટાવવા માટે કહ્યું હતું પણ કારમાં બેઠેલા લોકોએ ગાડી ના હટાવતાં ઈન્સપેક્ટરે ટ્રાફિક પોલીસ સ્ટાફને આ કારનો મેમો આપવા કહ્યું હતું. એટલામાં કારમાં સવાર દિલ્લી પોલીસના જવાનો કારમાંથી ઉતરીને દંડ ના આપવા માટે કહ્યું હતું અને તેઓ દિલ્લી પોલીસના કર્મચારી છે તેમ કહ્યું હતું. પરંતુ ટ્રાફિક ઈન્સપેક્ટર મેમો આપવાનું કહેતાં બંને પોલીસકર્મીઓએ ઉશ્કેરાઈને ટ્રાફિક ઈન્સપેક્ટરને થપ્પડ માર્યા હતા. આ ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને બંને પોલીસ કર્મચારીઓની ધરપકડ કરાઈ હતી.
આ પણ વાંચોઃ