વાપીઃ પરણીત યુવકને પાડોશી યુવતી સાથે બંધાયા સંબંધ, યુવતી સાથે લગ્ન કરવા શું કર્યું?
વાપીઃ ઉમરગામ તાલુકાના સરીગામમાં રહેતા પરિણીત યુવકના પ્રેમસંબંધથી કંટાળીને પત્નીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકને પાડોશી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતાં પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડાથી કંટાળીને પત્નીએ ગળેફાંસો ખાઈ લીધો હતો.
યુવતી સાથેના પ્રેમસંબંધ પછી સચિન પત્નીથી છૂટકારો મેળવવા માગતો હતો. આથી તે વારંવાર પત્ની સાથે ઝઘડો કરી તેને માનસિક ત્રાસ આપતો હતો. રોજ રોજના ઝઘડાથી કંટાળી કવિતાએ ગત 31મી ડિસેમ્બરે રાતે 10.30 વાગ્યે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ રાજસ્થાનના અને હાલ સરીગામનિા દક્ષિણી ફળિયામાં રહેતા સચિન ડાયારામ ચૌધરીના લગ્ન રાજસ્થાનની કવિતા સાથે થયા હતા. લગ્ન પછી દંપતી સરીગામ ખાતે રહેતું હતું. દરમિયાન સચિનને બાજુમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
આ ઘટનાની જાણ કવિતાની બહેન રેખાને થતાં તેણે ભીલાડ પોલીસ સ્ટેશન ખાતે બનેવી સચિનની કરતૂતથી પોલીસને વાકેફ કરી હતી. રેખાના નિવેદનને આધારે પોલીસે સચિન ચૌધરી સામે 306 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.