રાજસ્થાનના જયપુરમાં પતિએ ઈન્સ્યોરન્સમાંથી 1.90 કરોડ રૂપિયા મેળવવા માટે ખૂબ જ ભયાનક ષડયંત્ર રચ્યું હતું. પતિએ તેની પત્નીને મંદિર મોકલી રસ્તામાં તેની હત્યા કરાવી દીધી હતી. આ માટે આરોપીઓએ હિસ્ટ્રીશીટરને સોપારી આપી હતી.  આ ઘટના 5 ઓક્ટોબરે બની હતી. પ્રાથમિક તપાસમાં આ અકસ્માત હોવાનું જણાયું હતું. પરંતુ પોલીસે હવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.


એજન્સી અનુસાર, 5 ઓક્ટોબરના રોજ આરોપી મહેશ ચંદે તેની પત્ની શાલુને તેના પિતરાઈ ભાઈ રાજુ સાથે બાઇક પર મંદિર જવા કહ્યું. પતિના કહેવા પર પત્ની મંદિર જવા રવાના થઈ હતી. દરમિયાન સવારે 4:45 વાગ્યે એક એસયુવીએ તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું.


પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એવું લાગતું હતું કે આ એક માર્ગ અકસ્માત હતો પરંતુ જ્યારે આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતુ.


DCP પશ્ચિમ વંદિતા રાણાએ જણાવ્યું કે ચંદે 40 વર્ષ માટે શાલુનો વીમો કરાવ્યો હતો. વીમા કંપનીના નિયમો અનુસાર કુદરતી મૃત્યુ પર 1 કરોડ રૂપિયા અને આકસ્મિક મૃત્યુ પર 1.90 કરોડ રૂપિયા વીમાની રકમ મળવાની હતી. આ માટે આરોપી મહેશ ચંદે શાલુની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે હિસ્ટ્રીશીટર મુકેશસિંહ રાઠોડને સોપારી આપી હતી. પોલીસે જણાવ્યું કે મુકેશ સિંહ રાઠોડે આ કામ માટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે આરોપી મહેશચંદે તેને 5.5 લાખ રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા હતા.


બંનેએ 2015માં લગ્ન કર્યા હતા


મળતી માહિતી મુજબ, મહેશચંદ અને શાલુના લગ્ન 2015માં થયા હતા. બંનેને એક પુત્રી પણ છે, પરંતુ લગ્નના 2 વર્ષ બાદ જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. શાલુ તેના મામાના ઘરે રહેવા લાગી. પોલીસના જણાવ્યા અનુસાર, શાલુએ 2019માં મહેશ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાવ્યો હતો. જ્યારે મહેશે તાજેતરમાં જ શાલુનો વીમો કરાવ્યો હતો.


પત્નીને કહ્યું-કોઈને કહ્યા વિના મંદિર જવું પડશે


પોલીસના જણાવ્યા અનુસાર મહેશે શાલુને કહ્યું કે તેણે મન્નત માંગી હતી. તેને પૂર્ણ કરવા માટે તેણે સતત 11 દિવસ સુધી કોઈને જાણ કર્યા વગર હનુમાન મંદિરમાં જવું પડશે. તેણે એમ પણ કહ્યું કે એકવાર તેની ઈચ્છા પૂરી થઈ જશે તો તે તેને ઘરે લઈ આવશે. આના પર તે તેના પિતરાઈ ભાઈ સાથે મોટરસાઈકલ પર મંદિર જવા લાગી હતી.


દુર્ઘટના બાદ મહેશ ચંદ ઘટનાસ્થળેથી પાછો ફર્યો હતો


પોલીસે જણાવ્યું કે 5 ઓક્ટોબરે જ્યારે શાલુ અને રાજુ મંદિર જઈ રહ્યા હતા. ત્યારબાદ હિસ્ટ્રીશીટર અન્ય ત્રણ સાથે એસયુવીમાં તેની પાછળ ગયો અને તેની બાઇકને ટક્કર મારી. આટલું જ નહીં, આરોપી મહેશ તેમનો પીછો કરતો હતો. તે ઘટનાની ખાતરી કરવા માંગતો હતો. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે એસયુવીએ શાલુની બાઇકને ટક્કર મારી હતી, ત્યારે તે અકસ્માતની ખરાઈ કરીને સ્થળ પરથી પાછો ફર્યો હતો. પોલીસે મુકેશ સિંહ રાઠોડ સાથે તેના અન્ય બે સાથીઓ તેમજ એસયુવીના માલિક રાકેશ સિંહ અને સોનુની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી હજુ ફરાર છે.