તિરુવનંતપુરમના કારાકોણમ વિસ્તારમાં 51 વર્ષની શાખાકુમારી 28 વર્ષના પતિ અરૂણ સાથે રહેતી હતી. શનિવારે ઘરમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં અરૂણે જણાવ્યું કે, ક્રિસમસના કારણે ઘરને ફેન્સી લાઇટથી સજાવાયું હતું. કોઈ કારણોસર લાઇટના કરંટથી તેનું મોત થયું હતું. પોલીસ મુજબ, આરોપી તેની પત્નિને ખાનગી હોસ્પિટલમાં પણ લઇ ગયો હતો. પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
થોડા મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા અને તે બાદથી જ વૈવાહિક મતભેદ હતા. અરૂણ સતત તલાકની ડિમાન્ડ કરતો હતો. જ્યારે શાખાકુમારી ના પાડતી હતી. જેને લઇ બંનેમાં ઝઘડો થતો હતો. પતિ પત્નીની પ્રોપર્ટી પર કબજો મેળવવા માંગતો હતો. આ પહેલા પણ તેણે એક વખત પત્નીને ઇલેક્ટ્રિક શોક આપવાની કોશિશ કરી હતી. જેમાં તે સફળ થયો નહોતો.
પોલીસે જ્યારે તેની કડકાઇથી પૂછપરછ કરી ત્યારે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.