જામનગરઃ શહેરના રામેશ્વરનગરમાં અપરિણીત બહેનની ભાઈએ હત્યા કર્યા પછી પોતે પણ ઝેરી દવા પી બંને હાથોની નસ કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભાઈએ બહેનની હત્યા કર્યા પછી આત્મહત્યા પહેલા એક સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે બહેનની હત્યાને લઈને ખુલાસો કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, મારી બહેન લક્ષ્મી જેવી પવિત્ર હતી, એમને કોણ સાચવશે? જેથી એમને પણ મારી સાથે લઈ જાઉ છું. તેમને પણ માનસિક બીમારી હતી.

તેમણે સૂસાઇડ નોટમાં લખ્યું છે મારે બે ભાઈ જીતેન્દ્ર જેઠવા-રણજનીશ જેઠવા બંને રામ જેવા સીધા હતા. પરંતુ માનસિક બીમારીને કારણે હું ખૂબ જ દારૂ પીતો હતો. કંટાળીને આ પગલું ભર્યું છે. આ અંગેની વિગતો એવી છે કે, જામનગર શહેરના રામેશ્વરનગરમાં રહેતા અને સિક્યોરિટીમાં નોકરી કરતા હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.67)ની લાશ મંગળવારે રાત્રે સવા આઠ વાગ્યે તેના ઘરેથી મળી આવી હતી.

પોલીસે લાશનો કબજો સંભાળી અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ શરૂ કરી હતી. હજુ તપાસ શરૂ થઈ નથી ત્યાં સવારે મનપામાં નોકરી કરતાં હર્ષિદાબેનના ભાઈ અનિલ છગનભાઈ જેઠવા (ઉ.વ.58)ની લાશ જૂની આરટીઓ પાસેના તળાવ નજીકથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી.

17 કલાકના અંતરે વૃદ્ધ ભાઈ-બહેનની લાશો મળતાભારે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે બન્નેનું પોસ્ટમોર્ટમ કરાવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી જેમાં અનિલભાઈએ તેની વૃદ્ધ બહેનનું ગળું દાબીને હત્યા કરી હોવાનું ખૂલ્યું હતું. અનિલને હત્યા પછી ઝેરી દવા પી લીધી હતી. આ પછી બન્ને હાથોની નસો કાપીને આપઘાત કરી લીધો હતો. વૃદ્ધ ભાઈ-બહેનનું આવા સંજોગોમાં મૃત્યુનું કારણ પ્રાથમિક રીતે તો માનસિક બીમારી માનવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતક અનિલની લખેલી મનાતી સ્યુસાઈટ નોટ કબજે કરી તપાસ આગળ ધપાવી છે.