સુરત: સુરતના ખટોદરા વિસ્તારમાં લગ્નની લાલચ આપી પ્રેમી દ્વારા પ્રેમિકાનું વારંવાર શારીરિક શોષણ કરી મિત્રની મદદથી રૂપિયા 1.39 કરોડના સોના-ચાંદીના ઘરેણાં ઉપરાંત લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. વર્ષ 2019માં પ્રેમિકાને છૂટાછેડા લેવડાવી પોતે પણ ડિવોર્સ લઈ લીધા હોવાનું વોટ્સએપ દ્વારા બોગસ સર્ટિફિકેટ મોકલી પ્રેમિકાને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહિ પરંતુ પોતાના મિત્રની મદદથી હોસ્પિટલની બોગસ ફાઈલ ઉભી કરી પોતે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ હોવાનું નાટક કરી તબક્કાવાર સોનું પડાવી છેતરપિંડી આચરી હતી. જો કે પરિણીત પ્રેમીનો અંતે ભાંડો ફૂટી જતા મામલો ખટોદરા પોલીસ મથકે પોહચ્યો હતો. પોલીસે પ્રેમિકાની ફરિયાદના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



કરોડોની રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાં પડાવી લીધા


સુરતના ખટોદરા વિસ્તારમાં કોલેજના સમયથી ક્લાસમેટ રહેલા યુવકે છૂટાછેડા લેવડાવી પ્રેમિકાનું શારીરિક શોષણ કરવાની સાથે કરોડોની રોકડ રકમ સહિત સોના-ચાંદીના ઘરેણાં પડાવી લીધા હતા. સુરતના ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર,પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ ખટોદરા પોલીસ મથકમાં પોતાના પ્રેમી સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. મહિલાની ફરિયાદ મુજબ ખટોદરા વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબ નજીક રહેતો ઉદય નવસારીવાળા કોલેજના સમયે તેનો ક્લાસમેટ હતો. જેની સાથે વર્ષ 2019માં ફરી તેના સંપર્કમાં આવી હતી.બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાય હતી. બાદમાં ઉદય નવસારીવાળા અને પરિણીતા વચ્ચે ગાઢ પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. જે બાદ વર્ષ 2019માં ઉદય નવસારીવાળાએ પરિણીતા પાસે પહેલાં પતિથી ડિવોર્સ લેવડાવી પોતે લગ્ન કરશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.


અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા


આ સાથે પોતે પણ પરિણીત હોવાથી પોતાની પત્નીને ડિવોર્સ આપી દેશે તેવો ભરોસો અપાવ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલી પરિણીત યુવતીએ પોતાના પહેલા પતિથી કાયદેસરના ડિવોર્સ લઈ લીધા હતા. જે બાદ ઉદય નવસારીવાળાએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી અવારનવાર અલગ-અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ ઉદય નવસારીવાળાએ પોતાના મિત્ર વીતરાગ શાહની મદદથી ટુકડે ટુકડે કરી પોતાની જ પ્રેમિકા પાસેથી દોઢ કિલોથી વધુનું સોનું અને ચાંદી સહિત લાખોની રોકડ રકમ પડાવી લીધી હતી. 


પ્રેમિકાએ આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ઉદય નવસારીવાળાએ પોતાના મિત્ર વિતરાગ શાહની મદદથી વર્ષ 2023થી પ્રેમિકા પાસેથી સોના-ચાંદી સહિત રોકડ રકમ પડાવવાની શરૂઆત કરી હતી. અગાઉથી બનાવેલા પ્લાન મુજબ ઉદયના કહેવા પર વિતરાગ શાહ પ્રેમિકાના ઘરે ગયો હતો. ઉદયને ગંભીર બીમારી છે અને તેની સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર છે તેમ કહી પ્રેમિકા પાસેથી વિતરાગ શાહ દ્વારા 200 ગ્રામ સોનુ પડાવી લેવામાં આવ્યું હતું. 


ત્યારબાદ ફરી એક વખત વિતરાગ શાહ તેણીના ઘરે ગયો હતો અને જણાવ્યું હતું કે ઉદયની તબિયત હાલ પણ ખરાબ છે અને તે ઘરે આરામ કરી રહ્યો છે. તેના પર દેવું થઈ ગયું છે અને લેણદારો આવી સ્થિતિમાં પણ ઘરે આવી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. જેથી વાતોમાં આવી ગયેલી પ્રેમિકાએ આ વખતે પણ 200 ગ્રામ જેટલું સોનું વિતરાગ શાહને આપી દીધું હતું. ઉદય નવસારીવાળા અને વિતરાગ શાહ અહીં સુધી અટક્યા નહોતા. જે બંને શખ્સોએ પ્રેમિકાનો ફાયદો ઉઠાવી કોઈકના કોઈક બહાને પોતાની માંગણી ચાલુ રાખી હતી. જેથી ફરી વિતરાગ શાહ પ્રેમિકાના ઘરે ગયો હતો અને આ વખતે કંઈક અલગ જ બહાનું બતાવ્યું હતું. ત્રીજી વખતમાં પણ ઉદય નવસારીવાળા અને વિતરાગ શાહ દ્વારા પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવી હતી. જ્યાં ઉદય નવસારીવાળાએ પ્રેમિકાને જણાવ્યું હતું કે આપણે બંનેએ જોડે રહેવાનું છે અને તે માટે એક ફ્લેટ જોઈ રાખ્યો છે. જે ફ્લેટની કિંમત એક કરોડની આસપાસ છે. જેમાં થોડું પેમેન્ટ કરી આપવામાં આવ્યું છે અને 50 -60 લાખ રૂપિયા જેટલી રકમ બાકી છે. પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસો થાય તે માટે વિતરાગ શાહે પણ તેણીને જણાવ્યું હતું કે ભાભી મેં પણ આ ફ્લેટ જોયો છે અને એ ફ્લેટ ખૂબ જ સુંદર છે.જેથી બંનેની વાતમાં આવી ગયેલી પ્રેમિકાએ વધુ એક કિલો જેટલું સોનું કાઢી ઉદયના મિત્ર વિતરાગને હેન્ડ ઓવર કરી દીધું હતું. 


માત્ર આટલેથી જ નહી અટકતા આ બંને ઠગબાજોએ વધુ રૂપિયા કઢાવવા વધુ એક પ્લાન બનાવ્યો હતો. જ્યાં આ વખતે ઉદયની તબિયત ફરી ખરાબ થઈ ગઈ છે અને તેને સુરતની શનસાઈન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.તેમ કહી હોસ્પિટલના ICUના બોગસ કાગળો પણ બનાવ્યા હતા. હોસ્પિટલનો સીન ક્રિએટ કરવા આરોપીઓએ ICU જેવો સાઉન્ડ આવે તેવો માહોલ સ્પીકરના માધ્યમથી ઉભો કર્યો હતો. ત્યારબાદ પ્રેમિકાના વોટસએપ નંબર પણ ICUના બનાવટી પેપર્સ સેન્ડ કરતા તેણીને પણ વિશ્વાસ અને ભરોસો આવી ગયો હતો. જેથી આ વખતે પણ પ્રેમિકાએ વિતરાગ શાહને  પોતાના ઘરે બોલાવી 700 ગ્રામ સોનું સુપ્રત કરી દીધું હતું. ત્યારબાદ ફરી ઉદયની તબિયત વધુ ગંભીર હોવાનું જણાવી વધુ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી. જ્યારે પ્રેમિકાને શંકા ગઈ ત્યારે વિતરાગ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉદયનું બ્રેનનું ઓપરેશન કરવું પડશે અને લંગ્સમાં પણ ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાથી મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે.જ્યાં વધુ સારવારનો ખર્ચ થવાનો છે.જ્યાંથી પ્રેમિકાને વિશ્વાસ અને ભરોસો અપાવવા વિતરાગ શાહ દ્વારા મુંબઈનું લોકેશન પણ મોકલવામાં આવ્યું હતું. 


જેથી આ વખતે પણ પ્રેમિકા ઉદયના મિત્ર વિતરાગની વાતોમાં આવી ગઈ હતી અને લગ્નમાં આવેલી 17 કિલો ચાંદિની ભેટ-સોગાદો સહિત 200 ગ્રામ સોનું સારવારના ખર્ચપેટે આપી દીધું હતું. આમ વર્ષ 2023માં પ્રેમિકા પાસેથી બંને આરોપીઓ દ્વારા 1.39 કરોડની મત્તા પડાવી લેવામાં આવી હતી. પ્રેમિકાનો વિશ્વાસ અને ભરોસો જાળવી રાખવા માટે આરોપીઓ દ્વારા અમદાવાદના એક બાપુ પાસે કોલ કરાવવામાં આવ્યો હતો. જે બાપુ દ્વારા પ્રેમિકાને જણાવવામાં આવ્યું હતું કે ઉદયની પત્ની દ્વારા કાળી વિદ્યા કરવામાં આવી છે. જેના કારણે ઉદય પણ હેરાન પરેશાન થઈ રહ્યો છે અને તમારા લગ્ન પણ થઈ રહ્યા નથી. ઉદય અને તમારા લગ્ન ન થાય તે માટે તેની પત્ની આ કાળી વિદ્યા કરાવી રહી છે તેવું કોલ કરનાર બાપુએ પ્રેમિકાને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.ઉદય અને વિતરાગ શાહ પાસે બે અલગ અલગ મોબાઈલ નંબરો હતા.જે પૈકી એક મોબાઈલ નંબર ઉદયના પિતાનો હોવાનું પ્રેમિકાને જણાવ્યું હતું. જ્યારે પણ ઉદયના પિતા જોડે પ્રેમિકાએ વાત કરવી હોય ત્યારે બે પૈકીનો એક નંબર આપી મુકવામાં આવ્યો હતો. જે નંબર પર પ્રેમિકા દ્વારા અગાઉ વાતચીત પણ કરવામાં આવતી હતી. પરંતુ આ વાતચીત ઉદયના પિતા જોડે નહોતી થતી.


પ્રેમિકાએ ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઉદય અને વિતરાગ દ્વારા જે સોના ચાંદીના ઘરેણા પડાવવામાં આવ્યા હતા તે ઘરેણા લાલ દરવાજા વિસ્તારના જ્વેલર્સ વેપારી કેતુલ ચિનુંભાઈ દલાલ અને સ્નેહલ ચિનુભાઈ દલાલને આપી 78 લાખ રૂપિયામાં ગીરવે મુક્યા હતા. પ્રેમિકા પાસેથી અલગ-અલગ બહાના હેઠળ પડાવી લેવામાં આવેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમ બાદ પ્રેમિકા પોતાના કામ અર્થે બહાર નીકળી હતી. ઉદય નવસારીવાળાના ઘર પાસેથી પસાર થતી પ્રેમિકાની નજર ઘર નીચે ઉભેલા ઉદય પર પડી હતી. વિતરાગ દ્વારા અગાઉ પ્રેમિકાને જણાવવામાં આવ્યું હતું કે ઉદયની તબિયત ખૂબ જ ગંભીર છે અને તે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ આ વાત તદ્દન ખોટી નીકળતા તેણીનું ઉદય દ્વારા શારીરિક શોષણ કરી છેતરપિંડી કરવામાં આવી હોવાનો અહેસાસ થયો હતો. જે બાબત પ્રેમિકાએ પોતાના પરિવારજનોને કરતા અંતે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યાં પ્રેમિકાએ આપેલી ફરિયાદના આધારે ખટોદરા પોલીસ દ્વારા કુલ સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી ઉદય નવસારીવાળાના મિત્ર વિતરાગ શાહ,જ્વેલર્સ વેપારી કેતુલ દલાલ અને સ્નેહલ દલાલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. 


આ કેસમાં કુલ સાત આરોપીઓ સામેલ છે


આ સમગ્ર કેસની અંદર કુલ સાત આરોપીઓ સામેલ છે. જેમાં મુખ્ય આરોપી ઉદય નવસારીવાળા, અનવ તેના પિતા સહિત અન્ય બે ઈસમો હાલ ફરાર છે. જે આરોપીઓની ધરપકડ કરવા ખટોદરા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. પિતા-પુત્રએ અન્ય સાગરીતો સાથે મળી પ્રેમિકાનું ઘર સંસાર તોડાવ્યું પરંતુ તેણીનું શારીરિક શોષણ કરી કરોડો રૂપિયાની છેતરપિંડી પણ આચરવામાં આવી. જ્યાં પ્રેમિકાનો વિશ્વાસ અને ભરોસો કેળવી તેણીનું શારીરિક શોષણ કરવાની સાથે કરોડોની છેતરપિંડી પણ આચરવામાં આવી હતી. જે કેસમાં મુખ્ય ભેજાબાજ પ્રેમી સહિત તેના પિતા તેમજ અન્ય બે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.