Crime News: બાલાસિનોરની ICICI બેંક મેનેજરની હત્યા કરવામાં આવત ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસ તપાસમાં હત્યા કરનાર ખાતા ધારક જ નિકળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ અંગે  વિગતે વાત કરીએ તો, દાહોદમાં રહેતા અને બાલાસિનોરની ICICI બેંકમાં મેનેજર તરીકે કામ કરતા વિશાલ પાટીલની હત્યાનો કેસ આખરે ઉકેલાઈ ગયો છે. ચકચારી આ કેસમાં જે વિગતો સામે આવી છે તે મુજબ બેંકમાં ખાતુ ધરાવતા ગોઠીબ ગામના ભેજાબાજ હર્ષિલ પટેલે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પૈસાની લાલચમાં શોર્ટકટ અપનાવી રાતોરાત કરોડપતિ બનવાના સપના સેવનાર હર્ષિલ પટેલે સમગ્ર ઘટનાને ફિલ્મી સ્ટાઈલથી અંજામ આપ્યો હતો.




સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના હર્ષિલ પટેલે તેના મિત્ર કહેવાતા અને બાલાસિનોર ખાતે ICICI બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા દાહોદના વિશાલ પાટીલની માથામાં ગોળી મારી હત્યા કર્યા બાદ પોલીસ તપાસને આડે પાટે ચડાવવા માટે વિશાલની કારને સળગાવી હત્યાના બનાવને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. હર્ષિલ પટેલે વિશાલની હત્યા કર્યા બાદ તેની લાશને કડાણા દીવડા કોલોની જતા રસ્તામાં ઘાસપુરા ગામે બળીયાદેવની ખાડી કહેવાતા જંગલ વિસ્તારમાં ફેકી દીધી હતી અને કશું જ બન્યું ન હોય તેમ મૃતક વિશાલ પાટીલના પરિવાર સાથે તેની શોધખોળમાં જોડાઈ ગયો હતો. હર્ષિલ પોલીસ કે પરિવારજનોને શંકા ન જાય તે માટે પોતે જ વિશાલ પાટીલ મિસિંગ થયાની કમ્પ્લેન પોલીસ મથકે લઈ ગયો હતો. જો કે પોલીસને તેના પર શંકા જતા આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો.


શું હતી આ સમગ્ર ઘટના?


આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે, દાહોદના ગોધરા રોડ ખાતે રહેતા અને બાલાસિનોરની આઈસીઆઈસીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા વિશાલ પાટીલ ગઈકાલે બપોરે 1.30 વાગ્યે પોતાની કારમાં બેંકના ટ્રક બોક્સમાં રૂ. 1 કરોડ 68 લાખની રોકડ રકમ લઈને દાહોદ બ્રાંચમાં જમા કરાવવા માટે નીકળ્યાં હતા. તેમનો દીકરો લુણાવાડા ખાતે અભ્યાસ કરતો હોવાથી તેને મળીને તેઓ દાહોદ જવા નીકળ્યા હતા.




આ દરમિયાન બ્રાન્ચ મેનેજર વિશાલ પટેલ પોતાની સાથે આટલી મોટી રકમ લઈને દાહોદ જઈ રહ્યાં હોવાની જાણ બાલાસિનોરની ICICI બેંકમાં જ ખાતુ ધરાવતા અને મેનેજર વિશાલ પાટીલ સાથે મિત્રતા ધરાવતા સંતરામપુર નજીકના ગોઠીબ ગામના હર્ષિલ પટેલને થઈ હતી. શેતાની દિમાગના હર્ષિલના મનમાં આટલી મોટી રકમનું નામ સાંભળીને રાતોરાત કરોડપતિ થઈ જવાનું ભૂત સવાર થઈ ગયું. એ મુજબ તેણે વિશાલનો સંપર્ક કરીને તેની સાથે મુલાકાત કરી હતી અને પછી મોકો મળતા જ ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


હત્યારાએ શરુઆતનાં પોલીસને ગેરમાર્ગે દોરી
ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારા હર્ષિલ પટેલે ઘટના સ્થળથી પોતાનું ગામ નજીક હોઈ ગાડીમાંથી બેંકની રોકડ રકમ સગેવગે કરી દીધી હતી અને સમગ્ર ઘટનામાં પોલીસને આડે પાટે ચડાવવા માટે બનાવને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવા પ્રયત્ન કર્યો હતો. આ માટે તેણે વિશાલની કારને આગ લગાવી દીધી હતી અને મૃતક વિશાલની લાશને કડાણાથી દીવડા કોલોની જતા ઘાસપુર જંગલ વિસ્તારના બળીયાદેવની ખાડીમાં ફેંકી દીધી હતી અને પછી કશું જ બન્યું નથી વર્તવા લાગ્યો હતો.


આ દરમિયાન વિશાલ પાટીલનો પરિવાર તેના ગુમ થવાથી તેની શોધખોળ કરવા લાગ્યો હતો. તેના દીકરાએ કારનું લોકેશન શોધી કાઢ્યું હતું. વિશાલના ફોન પર અનેક કોલ કરવા છતાં ઉપાડતો ન હોવાથી પરિવારજનોએ હત્યારા હર્ષિલ પટેલને જ શોધખોળ માટે ફોન કર્યો હતો. આથી હર્ષિલે પ્લાન મુજબ તેના વિસ્તારમાંથી જ વિશાલ પાટીલની ક્રેટા કાર સળગેલી હાલતમાં મળતા શોધખોળ અંગેનો ડોળ કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. 


પોલીસે કડકાઈ બતાવતા સમગ્ર ઘટનાનો થયો પર્દાફાશ


જો કે આટલી મોટી રકમ ગુમ થવા, બેંક મેનેજર લાપતા થવા અને તેની કાર સળગેલી હાલતમાં મળતા સમગ્ર ઘટનામાં કશુંક અજુગતું બન્યાંનું પારખી ગયેલી મહીસાગર જિલ્લા પોલીસે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી સહિતની ટીમોને કામે લગાડી હતી. આ દરમિયાન પહેલેથી જ શંકાસ્પદ જણાતા હર્ષિલ પટેલની અટકાયત કરીને આકરી પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હતો અને કાવતરાનો પર્દાફાશ થયો હતો.


તો બીજી તરફ હત્યામાં હર્ષિલ પટેલનો હાથ હોવાનું સામે આવતા જ વિશાલ પાટીલના પરિવારજનો મોટો આંચકો લાગ્યો હતો. તેમણે જેના પર વિશ્વાસ કર્યો તે જ વ્યક્તિ હત્યારો નીકળતા સૌ કોઈ આઘાતમાં સરી પડ્યાં હતા. આ બાજુ વિશાલ પાટીલના મોતની જાણ બેંકના સહકર્મીઓને થતા તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ પોલીસે હર્ષિલ પટેલની અટકાયત કરી તેની પાસેથી કારમાંથી સગેવગે કરેલા 1,17,76,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી હત્યામાં વપરાયેલ બંદૂક ક્યાંથી લાવ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.