રાજકોટઃ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ રેશાદ સિંજાત સામે હત્યાની પ્રયાસનો ગુનો નોંધાયો. મંગળવારે રામનાથપરા પોલીસ લાઈનમાં ઘટના બની હતી. મહિલા કોન્સ્ટેબલ રેશાદ સિંજાતના ક્વાર્ટરમાંથી બેભાન હાલતમાં મળી હતી. મહિલા કોન્સ્ટેબલ ભાનમાં આવતા મામલતદાર સમક્ષ ડી.ડી નોંધાવ્યું. ડી.ડીમાં મહિલા કોન્સ્ટેબલે કહ્યું, રશીદ ઘણા સમયથી જાતીય સતામણી કરતો અને ક્વાર્ટરમાં ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ રશીદ સિંજાતની એ-ડિવિઝન પોલીસે કરી ધરપકડ. ગુનો દાખલ થતા જ રેસાદ સિંજાતને પોલીસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો...


રાજકોટ પોલીસ માટે કલંકિત ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલ રેશાદ સિજાંતના ક્વાર્ટરમાંથી ગત મંગળવારે ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળી આવી હતી. આ પછી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. જોકે આ અંગે આરોપી કોન્સ્ટેબલ રેશાદ સિજાંત સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ નોંધાઈ છે.


રેશાદ મહિલા કોન્સ્ટેબલનો ફોન નંબર મેળવી તેને વારંવાર ફોન કરી જાતીય સતામણી કરતો હતો તેમજ બદનામ કરવાની ધમકી આપતો હતો. હાલ પોલીસે 307ની કલમ હેઠળ હત્યાની કોશિષનો ગુનો ઉમેરી તેને સસ્પેન્ડ કર્યો છે. આરોપી કોન્સ્ટેબલ રેશાદની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે રેશાદ પોતાનું વ્યક્તિગત હિત સાધવા મહિલા કોન્સ્ટેબલની ઇચ્છા વિરુદ્ધ મળવાનો પ્રયત્ન કરી તેનો પીછો કરતો હતો તેમજ જો તું મારી સાથે વાત નહીં કરે તો સ્ટાફમાં અને સમાજમાં બદનામ કરી મારી નાખીશ એવી તે ધમકી આપતો હતો.


પોલીસ પછી મળતી વિગતો પ્રમાણે, અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં કોન્સ્ટેબલ રેશાદ સંડોવાયો હતો. બે દિવસ પહેલાં બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતાં તરત કોન્સ્ટેબલ રેશાદ સિજાંતની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલ અને રેશાદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. રેશાદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો.