Meta Market Cap Decreasing :સોશિયલ મીડિયા ક્ષેત્રની સૌથી મોટી કંપની મેટા (Meta) એટલે કે ફેસબુક માટે વર્ષ  2022 અત્યાર સુધી યોગ્ય સાબિત થઈ રહ્યું નથી. કંપની માટે ખરાબ સમાચાર સતત આવી રહ્યા છે. થોડા દિવસો અગાઉ કંપનીના ડેઈલી એક્ટિવ યુઝર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ત્યાં હવે કંપનીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ફેસબુકનું માર્કેટ કેપ સતત ઘટી રહી છે અને હવે સ્થિતિ એ હદે આવી ગઈ છે કે માર્કેટ કેપ મામલે કંપની ટોપ 10 કંપનીઓની યાદીમાંથી પણ બહાર થઈ ગઈ છે.


એક સમયે ટોપ 6 કંપનીઓમાં સામેલ હતી.


યુએસ શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી આઈટી અને ટેક કંપનીઓના શેર સતત ઘટી રહ્યા છે. જેમાં Meta Platform Inc એટલે કે ફેસબુકની પેરેન્ટ કંપનીના શેર પણ સતત ઘટી રહ્યા છે. કંપનીની માર્કેટ કેપ એટલી ઘટી ગઇ છે કે કંપની ટોપ-10 કંપનીઓની યાદીમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે ફેસબુક થોડા સમય અગાઉ સુધી તો માર્કેટ કેપ મામલે ટોચની છ કંપનીઓમાં સામેલ હતી. ડેટા પર નજર કરીએ તો ગુરુવારે બંધ બજાર પછી મેટાની માર્કેટ કેપ ઘટીને $565 બિલિયન થઈ ગઇ હતી. અને તે માર્કેટ કેપની દ્રષ્ટિએ 10 સૌથી મોટી કંપનીઓની યાદીમાંથી બહાર થઇ હતી. હવે કંપની 11માં નંબર પર છે.


જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, હવે કંપનીની માર્કેટ કેપ ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં અડધી થઇ ગઇ છે. સપ્ટેમ્બર 2021 સુધી તેના સ્ટોકની ઘણી માંગ હતી. કંપનીએ ગયા વર્ષે ફેસબુકનું નામ બદલી નાખ્યું હતું. અગાઉ ફેસબુકના ડેઇલી એક્ટિવ યુઝર્સની ઘટાડો થયો હતો હવે માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.


હાલમાં આ ટોચની 5 કંપનીઓ છે


રિપોર્ટ અનુસાર, એપલ હાલમાં 2.8 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે પ્રથમ ક્રમે છે, માઇક્રોસોફ્ટ 2.2 ટ્રિલિયન ડોલર સાથે બીજા નંબરે છે. સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકો 2 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે ત્રીજા નંબરે છે. ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ 1.8 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ચોથા નંબર પર છે. જ્યારે અમેઝોન 1.6 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે પાંચમા ક્રમે છે.