Kerala HC on Failed Marriage: કેરળ અને બોમ્બે હાઈકોર્ટે લગ્નમાં છૂટાછેડા અને પતિના પેન્શનના મામલે બે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વાસ્તવમાં છૂટાછેડાના કેસની સુનાવણી કરતી વખતે કેરળ હાઈકોર્ટે કહ્યું કે નિષ્ફળ લગ્નના સંબંધમાં રહેવા માટે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી બાધ્ય નથી અને કોઇ પણ તેઓને મજબૂર પણ કરી શકે નહીં. હાઇકોર્ટે વધુમાં કહ્યું કે આ પ્રકારના સંબંધોમાં પરસ્પર સહમતિથી ડિવોર્સ આપવાનો ઇનકાર કરવો ક્રૂરતા માનવામાં આવવી જોઇએ
કોર્ટે એક પતિ અને પત્નીની અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે આ અરજીમાં પત્નીએ ક્રૂરતાને ટાંકીને પતિને ડિવોર્સ આપવાના કોર્ટના ચુકાદાને પડકાર્યો છે. અરજીની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાકે પોતાના ચુકાદામાં કહ્યું કે જો તમામ પ્રયાસો બાદ પણ લગ્ન નિષ્ફળ રહે છે એવામાં કોઇ એકનું ડિવોર્સ આપવાનો ઇનકાર કરવો એક ક્રૂરતાથી વિશેષ કાંઇ નથી.
ખંડપીઠે કહ્યું કે જો લગ્નના સંબંધમાં રહેતા મહિલા અને પુરુષ વચ્ચે અણબનાવ સતત બનતા રહે છે અને ભવિષ્યમાં સુધારાનો કોઇ અવકાશ નથી તો બંન્નેમાંથી કોઇ પણ એક અન્ય વ્યક્તિને આ કાયદાકીય બંધનમાં રહેવા માટે મજબૂર કરી શકે નહીં.
2015માં થયા હતા લગ્ન
આ મામલાની અરજી કેરળ હાઇકોર્ટમા ત્યારે પહોંચી જ્યારે પત્નીએ ક્રૂરતાના આધાર પર પતિને ડિવોર્સ આપવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ફેમિલી કોર્ટના ચુકાદાને પડકારનારા દંપત્તિના લગ્ન 2015માં થયા હતા. આ સંબંધમાં પુરુષ એન્જિનિયરીંગ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે જ્યારે પત્ની કન્નૂરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડેન્ટલની વિદ્યાર્થીની હતી. આ મામલામાં પત્નીએ આરોપ લગાવ્યો હતો કે પતિ લડાઇ કરે છે અને તેને મહિલાની માતા અને બહેન સાથે સંબંધ રાખવાનું પસંદ નહોતું. આ કારણ છે કે મહિલાએ ડિવોર્સની અપીલ કરી હતી. જ્યારે કોર્ટે કહ્યું કે લગ્નના પ્રારંભિક દિવસોમાં સાથે સમય પસાર ના કરવા અને બંન્ને અલગ અલગ રહેતા હોવાના કારણે બંન્ને વચ્ચે ઇમોશનલ બોન્ડિંગ ડેવલપ થઇ શકી નહીં.