રાજકોટ: રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજરી તેની ઘાતકી હત્યા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યા-દુષ્કર્મના બનાવમાં હિસ્ટ્રીશીટર જયદીપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ થઈ છે.   આરોપી જયદીપ પરમાર ઉર્ફે જયું નામનો આરોપી મૃત્યુ પામનાર સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો થયો છે.   આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 




રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર  આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર સગીરાના કાકાના પરીચયમાં આવ્યો પછી સગીરાના ઘરે જતો ત્યાં બાળા ઉપર નિયત બગડી હતી.  આરોપી સગીરાને એકતરફી પસંદ કરવા લાગ્યો હતો. 27મીએ સાંજે સગીરાને લાકડા વીણવા બંધ કારખાનામાં એકલી જતા જોય તેનો પીછો કરી વાતોમાં ભોળવી દુષ્કર્મ ગુજાર્યું હતું.   જીવતી જવા દેશે તો તેનો ગુનો પકડાઈ જશે તેમ માની કારખાનામાં પડેલ સળિયો અને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી.  બાદમાં આરોપી પોતે જ પરિવારજનો સાથે મળી બાળાને શોધવામાં લાગ્યો હતો. ગુનાનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે આ માહિતી આપી હતી.




 


જાણો શું હતી સમગ્ર ઘટના 


રાજકોટમાં અપહરણ થયેલી 13 વર્ષની સગીરોનો મૃતદેહ ગુરુવારે રાત્રે મળ્યો હતો.  પોલીસે હત્યાની આશંકાએ તપાસ હાથ ધરી હતી. આજી GIDC વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર આવેલા અમૂલ ઇન્ડસ્ટ્રીના બંધ કારખાનામાંથી મૃતદેહ મળ્યો હતો. આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમો દોડી ગઈ હતી. સગીરા લાકડા લેવા ગઈ હતી અને બે દિવસથી ગુમ હતી. પરિવારે પોતાની રીતે તપાસ કર્યા બાદ તારીખ 28ના રોજ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગુમ બાળાનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં હતો. સૂત્રોએ જણાવ્યું કે  મૃતદેહની બાજુમાંથી લોખંડનો સળિયો મળ્યો છે. તેનાથી માર માર્યો હતો.  ગુપ્તાંગમાં પણ સળિયો ઘુસાડ્યાના નિશાન મળ્યા હતા. પીઠ અને શરીરના અન્ય ભાગોમાં સળિયાથી માર માર્યાના નિશાન હતા. જેથી દુષ્કર્મ કરી ઘાતકી  હત્યા કરવામાં આવી હોવાનું તારણ હતું. પોલીસે સળિયો અને ઘટના સ્થળેથી મળેલા અન્ય પુરાવાઓ મેળવી ફોરેન્સિક ટીમને સોંપ્યા હતા. 


બનાવ અંગે આજીડેમ પોલીસ મથકે અમદાવાદ હાઇવે પર આવેલ યુવરાજનગર વિસ્તારમાં રહેતી તરુણીની માતાએ પોતાની ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું હતું કે, તેઓ મૂળ રાજસ્થાનના વતની છે. અને તેઓ વર્ષોથી રાજકોટમાં રહે છે. તેના પતિ ડ્રાઇવિંગ કરે છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જેમાંથી બીજા નંબરની 13 વર્ષની તરૂણી રાધા દરરોજ ઘર માટે લાકડા લેવા માટે આજીડેમ ચોકડી નજીક જતી હતી. દરરોજની જેમ તેની દિકરી તારીખ 27 ના સાંજે  પાંચ વાગ્યાની આસપાસ લાકડા લેવા માટે ગઈ હતી. જે મોડે સુધી પરત ઘરે ન આવતાં તેના પરિવારે પુત્રીની શોધખોળ શરુ કરી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તરુણીનો કોઈ પતો ન લાગતાં તેમની પુત્રીને કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસ મથક પીઆઈ એલ.એલ. ચાવડા, પીએસઆઇ એસ.કે. ગઢવી અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસની મદદથી તરુણીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સગીરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 


પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે મૃતદેહનુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આજીડેમ ચોકડી પાસે આર એમ સી ડમ્પ પાસે આવેલ અમુલ ઈન્ડસ્ટ્રીઝ નામના લેથ મશીનના બંધ કારખાનામાંથી સગીરાનો મૃતદેહ મળ્યો હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બાળા સાથે આરોપી શખ્સોએ દુષ્કર્મ આચરી હત્યા કર્યાનું તારણ હતું. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિલે ખસેડાયો હતો. આ મામલે સીટની રચના થઈ હોય જુદી જુદી ટીમો તપાસમાં લાગી હતી.


રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બસીયા, એસીપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાંચ પીઆઈ વાય.બી. જાડેજા, આજીડેમ પીઆઈ એલ.એલ. ચાવડા, ક્રાઈમ બ્રાંચની ટીમ, એસોજીની ટીમ અને આજી ડેમ પોલીસની ટીમો તપાસમાં લાગી હતી. 


સૂત્રોએ જણાવ્યું કે  સગીરા શોધવામાં જયદીપ સાથે જ હતો પણ પછી પોલીસ ગુનાના ભેદ ઉકેલવાના પ્રયત્નમાં લાગતા તે ફોન બંધ કરી ભાગી ગયો હતો. તેણે ફોન ઓન કરતા જ ટ્રેસ કરી ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.


પત્રકાર પરિષદમાં ડીસીપી ક્રાઇમએ જણાવ્યું કે  આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યુવરાજનગરમાં રહેતા ફરીયાદીની સગીરવયની કિશોરીનું અપહરણ થયેલનો બનાવ બનતા ભોગબનનારના માતાએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરીયાદ આપતા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ 363 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.  તારીખ 29 ના રોજ સાંજના સમયે તપાસ દરમિયાન યુવરાજનગર પાસે આવેલ અમુલ ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનામાંથી ઉપરોકત અપહરણ થયેલ બાળ કિશોરીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી.


રાજકોટ શહેર પોલીસ કમિશનર  રાજ ભાર્ગવે  આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ  ગુન્હાનો ભેદ ઉકેલવા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની રચના કરી હતી. પોલીસની અલગ અલગ ટીમો બનાવી આજુબાજુમાં ખાનગીરાહે તપાસ કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરવામાં આવેલ તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા લોકોને વિશ્વાસમાં લઇ તેઓની ઉંડાણપૂર્વક પુછપરછ હાથ ધરી તેમજ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલનો ઉપયોગ કરેલ જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના કનકસિંહ મહોબતસિંહ તથા કુલદિપસિંહ રામદેવસિંહને બાતમી મળી હતી કે આ જઘન્ય કૃત્ય હીસ્ટ્રીશીટર એવા જયદીપ પરમારએ કરેલ હોવાની શંકા છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કે.ડી. પટેલ, પીએસઆઈ એ. એન. પરમારે વેશ પલ્ટો કરી રીક્ષા પેસેન્જરનો સ્વાંગ રચી શકમંદને ઝડપી પાડ્યો  હતો તથા પુછપરછ દરમિયાન શકમંદ જયદીપે  પોતાના ગુનાની કબુલાત કરી હતી.