Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. શિવસેનામાં બળવો થયાના એક વર્ષ બાદ હવે એનસીપીમાં પણ બળવો થયો છે. NCP નેતા અજિત પવાર અનેક ધારાસભ્યો સાથે NDAમાં સામેલ થયા છે. ગઈ વખતની જેમ જ આ વખતે પણ બળવો કરતાની સાથે જ તેમણે આજે રવિવારે જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈ લીધા હતા. રાજભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા.


અજિત પવાર ઉપરાંત અન્ય એનસીપી નેતાઓ - ભૂતપૂર્વ ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, અનિલ પાટીલ, હસન મુશ્રીફ, સંજય બન્સોડે, અદિતિ તટકરે, ધર્મરાવ અને ધનંજય મુંડેએ પણ મહારાષ્ટ્રના પ્રધાનો તરીકે શપથ લીધા હતા. અજિત પવારના બળવા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અજિત પવારની સાથે NCPના કેટલા ધારાસભ્યો છે? શું તેઓ પક્ષપલટા વિરોધી કાયદાથી બચી શકશે? શું અજિત પવાર માટે પક્ષ બદલવાનું મુશ્કેલ બનશે? તો જાણો આ બધા પ્રશ્નોના જવાબ.


શું અજિત પવાર પક્ષપલટા વિરોધી કાયદામાંથી બચી શકશે?


એનસીપી પાસે વિધાનસભામાં કુલ 53 ધારાસભ્યો છે અને એવું માનવામાં આવે છે કે તેમાંથી 30 અજિત પવારની સાથે છે. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે બે તૃતીયાંશ ધારાસભ્યોએ અજિત પવાર સાથે હાથ મિલાવવો જરૂરી છે. મતલબ કે, અજિત પવારને NCPના 36 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. જો કે પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો શરદ પવારના સમર્થક છે. આ સ્થિતિમાં તેમનો પક્ષ બદલવો મુશ્કેલ છે.


ચૂંટણી પંચની પ્રક્રિયા શું છે?


ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર જો કોઈ રાજકીય પક્ષમાં વિભાજન થાય અને તે ભાગલા બે તૃતીયાંશ હોય તો પક્ષમાં વર્ટિકલ સ્પ્લિટ થાય છે. એટલે કે, જો સાંસદ-વિધાયકથી લઈને કાર્યકરોમાં તૂટી જાય તો ચૂંટણી પંચ મોટા જુથને માન્યતા આપી શકે છે.જેમ કે એકનાથ શિંદેના કિસ્સામાં થયું હતું.


અજિત પવારે શા માટે બળવો કર્યો?


શપથ લેતા પહેલા અજિત પવાર રવિવારે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને પાર્ટીના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ એનસીપી નેતાઓ સાથે રાજભવન ગયા હતા. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની સાથે આવેલા કેટલાક ધારાસભ્યો પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાહુલ ગાંધી સાથે મંચ શેર કરવા અને તેમને સમર્થન આપવાના શરદ પવારના એકતરફી નિર્ણયથી નારાજ હતા.


https://t.me/abpasmitaofficial