Surat : જો તમે ઓનલાઇન ખરીદી કરતા હોય તો ચેતી જજો. લોભામણી જાહેરાત અને સારી ક્વોલીટીના ફોટા વેબસાઈટ પર અપલોડ કરી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા હોવાનો કિસ્સો સુરતના પુણા વિસ્તારમાં સામે આવ્યો હતો. સુરતના પુણા વિસ્તારમાં કાપડની ઓનલાઇન ખરીદી માટે વેબસાઈટમાં સારા ફોટા મૂકી હલકી ગુણવત્તાનો સમાન ડિલિવરી કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે વેપારીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેને છેલ્લા 4 મહિનામાં 13 હજારથી વધુ પાર્સલ અલગ અલગ રાજ્યોમાં ડિલિવરી કર્યા હોવાની માહિતી મળી હતી.
ઓનલાઇન માર્કેટિંગમાં ઠગ લોકો પણ સામેલ
હાલ સમગ્ર દેશ અને દુનિયામાં ઓનલાઈન માર્કેટિંગ ખૂબ વેગ પામી રહ્યું છે. કોઈ પણ ચીજવસ્તુ ઓનલાઇન મળી જાય છે. જોકે ઓનલાઇન માર્કેટિંગમાં ઠગ લોકો પણ સામેલ થયા છે. આવા લોકો પોતાની વેબસાઈટ પર સારી ક્વોલીટીના ફોટા અપલોડ કરે છે અને તેની કિંમત માર્કેટ ભાવથી ખૂબ ઓછી રાખે છે. જેનાથી ગ્રાહકો આકર્ષિત થઈ ઓર્ડર આપે છે.
જોકે આ ઓર્ડરના રૂપિયા એડવાન્સમાં આપવા પડતા હોય છે. જેમાં ગ્રાહકને ડિલિવરી મળે ત્યારે ખૂબ જ હલકી ગુણવત્તાનો સામાન મળ્યો હોવાનું માલુમ થાય છે.
સારા ફોટા દેખાડી હલકી ગુણવત્તાની સાડી પધરાવી દીધી
આવી જ મોડસ ઓપરેન્ડી ધરાવતો વ્યક્તિ ઉદય પટેલ જે સારોલી ખાતે આવેલી રાજ ટેક્સટાઇલ ટાવરમા ફેબ અરાઈવલ નામની વેબસાઈટ પર ઘણા સમયથી ઓનલાઇન વ્યવસાય કરે છે. આ વેબસાઈટ પર સુધાકર શર્મા નામના વ્યક્તિએ ફોટા જોઈ 500 ગ્રામ વજનની કાંજીવરમની સાડી ઓર્ડર કરી હતી. જેની કિંમત 799 હતી.
જોકે પાર્સલ આવ્યા બાદ તેમણે માલુમ પડ્યું હતું કે, જે સાડી ઓર્ડર કરી છે તેના બદલે હલકી ગુણવત્તા તેમજ ઓછી લંબાઈની સાડી આવી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે અરજી કરી હતી. આ વાતની જાણ FOSTAA - ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિએશનને થતા FOSTAA વતી ગોકુલચંદ બજાજે ફરિયાદ કરી હતી.
ઉદય પટેલે કુલ 13000 પાર્સલ મોકલ્યા
આ મામલે આર્થિક ગુન્હા નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉદય પટેલની ધરપકડ કરી પૂછપરછ કરતા ખુલાસો થયો હતો કે આરોપી વેપારી ચાર મહિનાથી આ વ્યવસાય કરે છે અને ગુજરાત તથા અન્ય રાજ્યમાં મળી કુલ 13000 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા છે જેની કિંમત અંદાજીત 1 કરોડથી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઉદય વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા આરોપી પુણા પોલીસને સોંપ્યો હતો. જોકે આ સમગ્ર મામલે હવે પુણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.