અબડાસા: વાયોર નજીક વાગોઠ ગામે જૂની અદાવતમાં ગામના યુવકે બે સગાં યુવાન ભાઈને છરીથી રહેંસી નાખી ડબલ મર્ડર કરી દેતાં ભારે ચકચાર મચી ગઈ છે. વાયોર પોલીસમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ રાત્રે સાડા દસના અરસામાં મોતને ભેટનાર ભાઈઓના ઘરના આંગણે ખૂની ખેલ ખેલાયો હતો. આરોપી ભરત કોલી અને મૃતક વિનોદ શાંતિલાલ કોલી (ઉ.વ. ૨૭) વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી. તે બાબતે ગઈકાલે બન્ને વચ્ચે ફરી ફોન ૫૨ બોલાચાલી થઈ.
પરિણામે, આરોપી ભરત કોલી ઉશ્કેરાઈને છરી લઈ વિનોદને મારવા તેના ઘરે દોડી ગયો હતો. ભરતે વિનોદને છરીના ઘા મારતાં વિનોદનો નાનો ભાઈ કાનજી શાંતિલાલ કોલી (ઉ.વ. ૨૫) છોડાવવા વચ્ચે પડ્યો હતો. ભરતે તેને પણ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. બેઉ ભાઈઓને પ્રથમ નલિયા સરકારી હોસ્પિટલે ખસેડાયાં હતા. બેઉની હાલત ગંભી૨ હોઈ તેમને વધુ સા૨વા૨ અર્થે મોટી હોસ્પિટલ ખસેડાતાં હતા ત્યારે તેમનાં મોત નીપજ્યાં હતા. ડબલ મર્ડરની ઘટના બહાર આવતાં વાયોર પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે હત્યારા ભરતને રાઉન્ડ અપ કરી લઈ હત્યાના કારણ સહિતની બાબતો અંગે ગહન પૂછપરછ હાથ ધરી છે.
મહેસાણાની યુવતીએ પ્રેમપ્રકરણમાં કરી લીધો આપઘાત
મહેસાણાના અબાસણ ગામની એક યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીને એક યુવક સાથે પ્રેમ થતા યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. લાગણજ પોલીસ મથકમાં પ્રેમી કેવિન પટેલ નામના યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે, અબાસણ ગામની યુવતીને કેવિન નામના યુવક સાથે પ્રેમસંબંધ હતા. યુવતી પ્રેમી સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે, પ્રેમીએ લગ્ન માટે ઇનકાર કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું. તેમજ પ્રેમપ્રકરણમાં હતાશ થયેલી યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે લાગણજ પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.
રાજકોટમાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ
રાજકોટ થોરાળા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પતિના હાથે જ પત્નીની હત્યા થઈ છે. કોઈ કારણોસર બંન્ને વચ્ચે માથાકૂટ થતાં પતિએ પત્નીને માથામાં હથોડી ઝીંકી દીધી અને ત્યાર બાદ ગળા પર તણી ફેરવી હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળ કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.