Viral News: ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક પ્રેમી યુગલે મંદિરમાં લગ્ન કર્યા ગામના સરપંચે પહેલા બંનેને એક રૂમમાં પૂરીને ઢોર માર માર્યો અને પછી થૂંક ચટાવ્યું હતું. એટલું જ નહીં પ્રેમી યુગલ સાથેની આ ક્રૂરતાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની નોંધ લઈ આરોપી ગામના સરપંચની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘણા દિવસોથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું
ગામમાં રહેતા પ્રેમી યુગલમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બંને લગ્ન કરવા પણ ઈચ્છતા હતા, પરંતુ જ્યારે ગામના સરપંચને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે નિયમોને ધ્યાનમાં રાખીને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડને પોતાના ઘરે બોલાવ્યા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સજા કરી. એટલું જ નહીં આ દરમિયાન આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમિકાના પરિવારજનોએ તેના લગ્ન બીજે ક્યાંક નક્કી કર્યા હતા, પરંતુ મંગળવારે પ્રેમી યુગલે એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા અને તે પછી વ્યક્તિને તેના ઘરે લઈ જઈને આવી તાલિબાની સજા આપવામાં આવી હતી.
એસપીએ શું કહ્યું
આ મામલે ગાઝીપુરના પોલીસ અધિક્ષક ઓમવીર સિંહે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેમને થૂંક ચાટવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો પોલીસ સ્ટેશન બહરિયાબાદ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. આની પુષ્ટિ કરવામાં આવી રહી છે. આ અંગે પોલીસ મથકના પ્રમુખ અને સંબંધિત વિસ્તારના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ વીડિયોમાં જે લોકો જોવા મળશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.