વડોદરાઃ વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને બે નણંદ સામે દહેજ માટે અત્યાચારો ગુજારવાના ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ કરી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પોતે પ્રથમ વખત ગર્ભવતી થઈ હતી ત્યારે ગણપતિ મંદિરના 300 પગથિયા ચડાવતાં તેનો ગર્ભપાત થઇ ગયો હતો.  બીજી વખત પુત્રનો જન્મ થયો ત્યારે તેના ઉછેર માટે પિયરિયાં પાસેથી 10 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના લઈ આવવા કહ્યું હતું. યુવતીએ ઈન્કાર કરતાં તેને મારઝૂડ કરાઈ હતી.



મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, તેનાં લગ્ન 2015માં રાજસ્થાનના જયપુરના ઝાલના ગામના જયપ્રકાશ શિવરામ ચૌધરી સાથે થયાં હતાં. લગ્નમાં પિતાએ પાંચ લાખની કિંમતના દાગીના ભેટમાં આપ્યા હતા. તેનાથી સંતોષ ના થતાં લગ્નના થોડા મહિના બાદ સાસરિયાંએ અત્યાચાર શરૂ કર્યો હતો. સાસરિયાં કહેતાં કે,  અમારા છોકરા માટે સારાં માગાં આવતાં હતાં અને દહેજમાં પણ પંદર લાખ આપવા તૈયાર હતાં પણ અમે તારી સાથે દીકરાના લગ્ન કરાવ્યા. તારા પિતાએ અમને કંઇ આપ્યું નથી તેથી તારા પિતા પાસેથી 10 લાખ રૂપિયા અને સોનાની ચેઇન લઇ આવ. રૂપિયા નહીં લાવે તો ઘરમાં નોકરાણીની જેમ કામ કરવું પડશે અને ઘરમાં એક ખૂણામાં પડી રહેજે. તેમજ નોકરી કરી ઘર ખર્ચ આપવા દબાણ કરતા હતાં.


યુવતીના આક્ષેપ પ્રમાણે, યુવતી 2015માં પરિણીતા ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે તેને આરામની સલાહ આપી હતી. આમ છતાં સાસરિયા તેની પાસે ઘરકામ કરાવતા હતા. યુવતી ગર્ભવતી હોવા છતાં બળજબરીથી ગણપતિ મંદિરના 300 પગથિયા ચડાવતાં ગર્ભપાત થઈ ગયો હતો. સાસરિયાંએ એ વખતે તેને પિયર વડોદરા મોકલી આપી હતી. ત્રણ મહિના પિયરમાં રહ્યા બાદ તે રાજસ્થાન સાસરિયામાં પરત ગઇ હતી.


યુવતી 2017માં ફરી ગર્ભવતી થઇ ત્યારે પુત્રનો જન્મ થયો હતો. આ પુત્ર હાલ ચાર વર્ષનો છે. પતિએ માગણી કરી હતી કે, તારા પિતા પાસેથી 10 લાખ રૂપિયા લઇ આવ તો જ હું તમારા બધાનું પુરુ કરી શકીશ, નહીં તો બધાને ભૂખે મરવાનો વારો આવશે. રૂપિયા નહીં આપી શકતાં પુત્ર સહિત તેને પિયર વડોદરા મૂકી ગયા હતાં. યુવતી ત્યારથી પિયરમાં રહે છે પરંતુ પુત્ર કે પરિણિતાને કોઇ આર્થિક રીતે સાસરિયા કે પતિ મદદ કરતા નથી. પરિણતાના દાગીના અને અભ્યાસના સર્ટિફિકેટ પણ સાસરિયાં પાસે છે તેથી યુવતી પોલીસ પાસે પહોંચી છે.