દુમકાઃ ઝારખંડમાં પાંચ બાળકોની માતા પર 17-17 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દુમકા જિલ્લાના મુફસ્સિલમાં પતિ સાથે મેળો જોઇને ઘરે પરત ફરી રહેલી યુવતી પર સામૂહિક બળાત્કાર થયો છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે બની હતી. સંથાલના DIG સુદર્શન પ્રસાદ માંડલે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલીસ કેસની તપાસ કરી રહ્યું છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટનાની જાણ થતાં જ ડીઆઇજીની સાથે પોલીસ અધિક્ષક અંબર લકડા મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને ઘટનાના સંબંધમાં માહિતી લીધી હતી. તેમજ પીડિત મહિલાના નિવેદનના આધારે કેસની તાત્કાલિક તપાસ કરીને આરોપીઓને પડકવાના નિર્દેશ આપ્યા છે. પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દેવાઇ છે.


પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓની ઓળખ થઈ રહી છે. પીડિતાને તબીબી સારવાર અપાઈ રહી છે. મેડિકલ તપાસનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરાશે. પોલીસને આપેલા નિવેદનમાં, મહિલાએ 17 આરોપીઓની સંડોવણી હોવાનું જણાવ્યું છે. જેમાંથી એક આરોપી તેમના ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે.

પીડિતાના પતિએ જણાવ્યું કે ગામમાં દર મંગળવારે ભરાતી બજારમાં તે પત્ની સાથે ખરીદી કરવા ગયો હતો. સવારે આઠ વાગ્યાની આસપાસ ખરીદી કરીને બજારમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, તે જ સમયે લગભગ 17 છોકરાઓ રસ્તામાં નશામાં ઉભા હતા. તેમાંથી પાંચે પતિને પકડી રાખ્યો હતો. તેમજ બાકીના છોકરાઓ મહિલાને ઝાડીમાં ઉઠાવી ગયા હતા અને પછી તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. બુધવારે સવારે પીડિતા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.