Crime News: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે જેને લઈને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ધામલાવાડ શેરીમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા યુવકને બે ઈસમો સાથે મોબાઈલ રીપેરીંગ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા બંને યુવકોએ મોબાઈલ રીપેરીંગ કરતા યુવકને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.


સલાબતપુરા પોલીસની હદમાં બનેલી હત્યાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ,ત્યારે આ બનાવમાં પોલીસે બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે, અસામાજિકતત્વોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે.  રાત્રિના સમયે ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બે અસામાજિકતત્વો દ્વારા નજીવી બાબતે થયેલા ઝઘડામાં મોબાઇલ રિપેર કરતા યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવકને ઉપરાછાપરી ઘા મારી ત્યાં જ પતાવી દીધો હતો. 




સલાબતપુરા વિસ્તારમાં આવેલા ધામલાવાડ શેરી પાસે રહેતા મોહમદ અદનાન મોહમદ ઐયુબ દલવાડી લક્ષ્મી માતાના મંદિર પાસે મોબાઈલ રિપેરિંગ તેમજ એસેસરીઝની દુકાન ધરાવતો હતો. રાત્રિના સમયે તેની દુકાન બહાર જ બે યુવકે આવીને ઝઘડો કરીને છરીના ઘા ઝીંકી હુમલો કરી મારામારી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મોહમદ અદનાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો
જ્યાં સારવાર દરમિયાન અદનાનનું મોત નીપજ્યું હતું. 


ઘટનાની જાણ સલાબતપુરા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર અને સિવિલ હોસ્પિટલ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટના અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બે દિવસ પહેલા નજીવી પાર્કિંગની બાબતે મોબાઈલની દુકાન ધરાવનાર મોહમદ અદનાન સાથે અસામાજિક તત્વો એવા બે યુવક જેમાં એક જુવેનાઈલ અને બીજો 19 વર્ષીય શેખ મુસેફ શેખ અબ્દુલ રસીદનો ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં ગત રોજ બંને યુવકો મોપેડ પર આવીને મોહમદ અદનાન સાથે મારામારી કરી છરી વડે હુમલો કર્યો હતો. સામાન્ય ઝઘડાની અદાવતમાં મૃતક યુવકને બંને યુવકોએ છાતીના ભાગે બે ઘા માર્યા હતા અને ગંભીર ઇજા થતા અદનાનનું મોત નીપજવા પામ્યું હતુ. હત્યારા બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.