નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં મોદી સુનામીમાં વિપક્ષના સુંપડા સાફ થઈ ગયા છે. મોદી લહેર સામે મોટા મોટા નામ ધોવાઈ ગયા છે. દેશની સૌથી જૂની પાર્ટીના કેટલાક એવા નેતાઓની યાદી સામે આવી છે જે પોતાના રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.



કોંગ્રેસ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત, મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ચૂંટણી હારી ગયા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, અરુણાચલના પૂર્વ મુખ્યમંત્રી નબામ ટુકી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ અને સુશીલ શિંદે પાછળ ચાલ્યા બાદ મોડી રાતે હાર્યા હતાં. આ ઉપરાંત જેડીએસ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવગૌડા પણ ચૂંટણી હારી ગયા છે.



ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMM નેતા શિબુ સોરને અને ઝારખંડ વિકાસ મોર્ચ (પ્રજાતાંત્રિક)ના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મંરાડી પણ પોતાની સીટ ગુમાવી છે. તો બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ નેતા જીતન રામ માંઝી પાછળ ચાલી રહ્યાં છે.