અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 300 જેટલી બેઠકો મળી ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગર સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનો રેકોર્ડ તોડી વધુ લીડથી જીત મેળવી છે. જોકે ગુજરાતમાં ભાજપના જ બીજા બે  ઉમેદવારો એવા છે જેમણે અમિત શાહ કરતાં પણ વધુ લીડથી જીત મેળવી છે.

ગાંધીનગર બેઠક પર અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાને 5,57,014 મતથી પરાજય આપ્યો છે. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી 4,83,121 મતના માર્જિનથી જીત્યા હતા. એટલે કે ગાંધીનગર સીટ પર અત્યાર સુધીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમિત શાહે રેકોર્ડ બનાવ્યો હતો.

આ વખતની ગુજરાતની 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ અમિત શાહ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી.આર.પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતથી હરાવ્યા હતાં.

વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી પરાજય આપ્યો છે. નોંધનીય છે કે, વડોદરા બેઠક પરથી વર્ષ 2014ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા તે સમયે તેઓ 5,70128 મતની લીડથી જીત્યા હતા.