નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પાર્ટીના બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત 15 નેતાઓએ મંગળવારે પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઈ, પર્યટન મંત્રી જારકર ગામલિન અને ઘણાં બીજા ધારાસભ્યોને ટીકિટ નહીં મળતાં મોટા પાયા પર પાર્ટી છોડવાનો મામલો સામે આવ્યો છે.
રાજ્યની 60 વિધાનસભા સીટોમાંથી 545 માટે ઉમેદવારોના નામો પર ભાજપના સંસદીય બોર્ડે રવિવારના રોજ મ્હોર મારી દીધી છે. રાજ્યમાં 11મી એપ્રિલના રોજ લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. સોમવારના રોજ જારપુમ ગામલિને ભાજપના અરૂણાચલપ્રદેશ એકમના અધ્યક્ષ તાપિર ગાઓને પોતાનું રાજીનામું મોકલ્યું હતું. તેઓ સોમવાર સાંજથી જ ગુવાહાટીમાં છે જ્યાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તેમની મુલાકાત લીધી હતી.
એનપીપીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, જારપુમ, જારકર, કુમાર વાઈ અને બીજેપીના 12 ધારાસભ્યોએ એનપીપી મહાસચિવ થામસ સંગમા સાથે મંગળવારના રોજ મુલાકાત કરી અને એનપીપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો.
તેમણે કહ્યું હતું કે, આ નેતાઓના આવવાથી એનપીપી મજબૂત થશે. આ બધાંની વચ્ચે એનપીપીએ પૂર્વોત્તર રાજ્યોની તમામ 25 સંસદીય બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ મેઘાલયના ઉમેદવારોની યાદી રજૂ કરી દીધી છે. બીજી સીટોની પણ યાદી ટૂંક સમયમાં રજૂ કરશે.