હરિયાણામાં ભાજપને મળ્યો અકાલી દળનો સાથ, સાથે મળીને લડશે ચૂંટણી
abpasmita.in | 12 Apr 2019 10:54 PM (IST)
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ ફરીવાર રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી હવે હરિયાણામાં પણ શિરોમણી અકાલી દળ (બાદલ) સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ ફરીવાર રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ભારતીય જનતા પાર્ટી હવે હરિયાણામાં પણ શિરોમણી અકાલી દળ (બાદલ) સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે. ભાજપ અગાઉ પંજાબ અને ઉત્તરાખંડમાં અકાલી દળ સાથે મળીને ચૂંટણી લડી રહી રહ્યું છે. ઇન્ડિયન નેશનલ લોક દળ સાથે રાજકીય સંબંધો ખત્મ થયા બાદ આ પ્રથમ અવસર છે જ્યારે અકાલી દળે હરિયાણામાં ભાજપને કોઇ પણ શરત વિના સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, શિરોમણી અકાલી દળ (બાદલ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બલવિંદ્ર સિંહ ભૂંદડ, અકાલી દળના પ્રદેશ અધ્યક્ષ શરણજીત સિંહ સોંટા અને ધારાસભ્ય બલકૌર સિંહ વચ્ચે થયેલી વાતચીતમાં બંન્ને પક્ષો વચ્ચે પરસ્પર સહમતિ થઇ હતી. હરિયાણામાં બે ડઝન વિધાનસભા બેઠકો એવી છે જેના પર શીખ મતદારોનો સારો પ્રભાવ છે. હરિયાણામાં શીખ મતદાતાઓની સંખ્યા 13 લાખથી વધુ છે. ભાજપ રાજ્યની આઠ લોકસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. શિરોમણી અકાલી દળ (બાદલ) લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે કામ કરશે જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી બંન્ને સાથે મળીને લડશે. નોંધનીય છે કે પંજાબમાં ભાજપ અકાલી દળની સહયોગી પાર્ટી છે અને ત્યાંની સરકારમાં ભાગીદાર રહી ચૂકી છે.