અમદાવાદ: ચૂંટણી પંચે રવિવારે સાંજે 2019ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કર્યા બાદ તમામ પક્ષોએ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.



2019ની ચૂંટણીમાં ભાજપના 26માંથી અડધાથી વધારે સાંસદોને તેમની નિષ્ક્રિયતા, નબળી કામગીરી અને વિવાદના લીધે ફરીથી ટીકિટ નહીં આપવાની દિશામાં ભાજપની કોર કમિટીની બેઠક દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ભાજપમાંથી કોની ટીકિટ કપાશે તેની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.



બનાસકાંઠામાંથી સાંસદ હરિભાઈ ચૌધરી રીપીટ થવાનું કારણ પીએમની ગુડબુકમાં હોવાથી ફરીથી ટીકિટ મળી શકે છે. પાટણમાંથી સાંસદ લીલાધર વાઘેલા નાદુરસ્ત તબિયત અને પાર્ટી વિરોધી વલણના કારણે ટીકિટ કપાઈ શકે છે.



સાબરકાંઠામાંથી સાંસદ દિપસિંહ રાઠોડ ફરીથી જીતની શક્યતા ઓછી હોવાથી ભાજપ રિપીટ કરશે નહીં. મહેસાણામાંથી સાંસદ જયશ્રીબેન પટેલ નબળી કામગીરી અને પાટીદાર સમાજમાં નારાજગીના કારણે ટીકિટ કપાઇ શકે છે.