નવી દિલ્હીઃ વિપક્ષ પાર્ટીઓ કાઉન્ટિંગમાં ઓછામાં ઓછી 50 ટકા VVPAT સ્લીપને ઇવીએમ સાથે સરખામણી કરવાની માંગ કરતી અરજીના જવાબમાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તેનાથી લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં મોડું થશે. ચૂંટણી પંચે તેની વ્યવહારિકતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ માટે મોટી સંખ્યામાં સક્ષમ સ્ટાફની જરૂર પડશે. એટલું જ નહી મોટા કાઉન્ટિંગ હોલની પણ જરૂર પડશે જેની કેટલાક રાજ્યોમાં સુવિધા નથી.
વિપક્ષ પાર્ટીઓ દ્ધારા ઇવીએમ અને વીવીપેટ સ્લિપની સરખામણી 50 ટકા સુધી વધારવાની માંગ જો માની લેવામાં આવે તો ચૂંટણીના પરિણામો આવવામાં લગભગ 5 દિવસ વધુ લાગી શકે છે. ચૂંટણી પંચે શુક્રવારે સુપ્રીમ કોર્ટને આ જાણકારી આપી હતી. વાસ્તવમાં 21 વિપક્ષ પાર્ટીના નેતાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે એક મતદાર ક્ષેત્રમાં ઓછામાં ઓછી 50 ટકા વીવીપેટ સ્લિપની સરખામણી કરવામાં આવે જેથી ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતા પર આંચ આવે નહીં. જેના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને વિચાર કરવાનું કહ્યું હતું.
હવે ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું છે કે જો તમામ લોકસભા ક્ષેત્ર અથવા વિધાનસભા ક્ષેત્રની 50 ટકા વીવીપેટ સ્લિપની સરખામણી કરવામાં આવે તો તેની ગણતરીમાં સમય લાગશે. જેમાં લગભગ 5 દિવસનો વધુ સમય લાગી શકે છે. એવામાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામો 23 મેના બદલે 28 મેના રોજ જાહેર થઇ શકે છે. હાલમાં ઓટોમેટિક રીતે સ્લિપની સરખામણી કરવાની રીત ઉપલબ્ધ નથી. ચૂંટણી પંચે કહ્યું કે- હાલમાં કોઇ મિકેનિકલ સિસ્ટમ નથી કારણ કે વીવીપેટમાંથી નીકળતી સ્લિપ પર કોઇ બારકોડ લાગ્યો હોતો નથી.