Amit Shah-Nitish Kuamr Meeting: આવતીકાલે દેશમાં લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી રહ્યાં છે આ પહેલા દેશમાં રાજનીતિ ફરીથી તેજ થઇ ગઇ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ સોમવારે (3 જૂન) સાંજે 4 વાગ્યે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા જઈ રહ્યાં છે. શાહ અને નીતિશ ગૃહમંત્રીના નિવાસસ્થાને મળશે. મળતી માહિતી મુજબ, નીતીશ કુમાર સાંજે 4 વાગ્યા સુધીમાં અમિત શાહના નિવાસસ્થાને પહોંચી જશે, ત્યારબાદ બંને નેતાઓ સાંજે 4.15 વાગ્યે મળવાના છે. આ પછી નીતીશ કુમાર બિહાર જવા રવાના થશે. તેમની ફ્લાઇટ સાંજે 6.15 વાગ્યે છે.


અમિત શાહને મળ્યા પહેલા નીતિશ કુમાર દિલ્હીમાં તેમના નિવાસસ્થાન 6, કામરાજ લેન પહોંચી ગયા છે. આ દરમિયાન તેણે મીડિયાના સવાલોના જવાબ આપ્યા ન હતા. બીજીતરફ બિહારને લગતા એક્ઝિટ પૉલના પરિણામો જે પરિણામો પહેલા સામે આવ્યા છે તેનાથી એનડીએ અને ભાજપને રાહત મળી છે.


એબીપી સી-વૉટરના એક્ઝિટ પોલ અનુસાર, બિહારમાં બીજેપી-એનડીએને 34-38 સીટો મળી શકે છે. ઇન્ડિયા ગઠબંધનને 3-5 બેઠકો મળતી જોવા મળી રહી છે. બિહારમાં અન્ય પક્ષોનું ખાતુ પણ નહીં ખુલે. રાષ્ટ્રીય સ્તરે એક્ઝિટ પોલના પરિણામો પણ ભાજપની આગેવાની હેઠળના NDAની તરફેણમાં જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપના નેતાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


કયા મુદ્દાઓ પર થઇ શકે છે અમિત શાહ અને નીતિશની ચર્ચા ? 
જો કે અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચેની બેઠકમાં શું ચર્ચા થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ક્યાંકને ક્યાંક પરિણામ પછીના આયોજન પર ચર્ચા થશે. જો બીજેપીના નેતૃત્વમાં નવી સરકાર બને છે તો જેડીયુના ખાતા પર જીત મેળવનારા નેતાઓને કયો પૉર્ટફોલિયો આપવો તે અંગે ચર્ચા થઈ શકે છે. આવતા વર્ષે યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણી પણ બંને વચ્ચે ચર્ચાનો વિષય બની શકે છે.


બિહારમાં એનડીએના દળોને કેટલી બેઠકો પર ચૂંટણી લડી ? 
40 લોકસભા બેઠકો ધરાવતા બિહારમાં NDAની 5 પાર્ટીઓએ સંયુક્ત રીતે ચૂંટણી લડી છે. બેઠકોની વહેંચણી અંતર્ગત ભાજપે સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 17 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ પછી નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 16 સીટો આપવામાં આવી છે. એ જ રીતે ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યાંથી તેણે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને એક-એક સીટ આપવામાં આવી છે.


બિહારમાં કઇ-કઇ બેઠકો પર લડી રહ્યાં છે એનડીએના પક્ષો ? 
ભાજપે ઔરંગાબાદ, મધુબની, અરરિયા, દરભંગા, મુઝફ્ફરપુર, મહારાજગંજ, સારણ, અરાહ, બક્સર, સાસારામ, ઉજિયારપુર, બેગુસરાઈ, નવાદા, પટના સાહિબ, પાટલીપુત્ર, પૂર્વ ચંપારણ અને પશ્ચિમ ચંપારણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.


જેડીયુના ઉમેદવારો બાલ્મીકીનગર, સીતામઢી, ઝાંઝરપુર, સુપૌલ, ભાગલપુર, બાંકા, મુંગેર, નાલંદા, જહાનાબાદ, કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, મધેપુરા, ગોપાલગંજ, સિવાન અને શિવહરથી ચૂંટણી લડી રહ્યા છે.


ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીને વૈશાલી, હાજીપુર, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈ લોકસભા બેઠકો આપવામાં આવી હતી, જ્યાંથી તેમની પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે.


જીતનરામ માંઝીની પાર્ટી 'હિન્દુસ્તાની આવામ મોરચા'ને ગયા સીટ મળી છે. એ જ રીતે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીને કરકટ લોકસભા સીટ આપવામાં આવી છે, જ્યાંથી કુશવાહ પોતે મેદાનમાં છે.


હવે જોવાનું એ રહે છે કે 4 જૂને આવનારા લોકસભાની ચૂંટણીના પરિણામોમાં આમાંથી કેટલા ઉમેદવારો જીતે છે.