SP,BSP, કોગ્રેસ માટે મતબેન્ક છે ઘૂસણખોરો, ભાજપ માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દોઃ શાહ
abpasmita.in | 13 Apr 2019 06:03 PM (IST)
અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા, માયાવતી અને અખિલેશજીને જેટલું રડવું હોય તેટલું રડે પરંતુ ફરીવાર મોદી સરકાર બનતા દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશમાંથી કાઢવાનું કામ બીજેપીની સરકાર કરશે.
લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઘૂસણખોરોનો મુદ્દો ઉઠાવી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી અને કોગ્રેસને આડે હાથ લેતા તેમને ફક્ત મતબેન્ક ગણાવ્યા હતા. શાહે શનિવારે ઉત્તરપ્રદેશના બદાયૂ અને સહારનપુરમાં રેલીઓને સંબોધી હતી. બંન્ને જગ્યા પર અમિત શાહે દેશની સુરક્ષાના મુદ્દા પર ભાજપ અને અન્ય પાર્ટીઓની નીતિઓની તુલના કરી હતી. સહારનપુરની રેલીમાં અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબા, માયાવતી અને અખિલેશજીને જેટલું રડવું હોય તેટલું રડે પરંતુ ફરીવાર મોદી સરકાર બનતા દેશભરમાંથી ઘૂસણખોરોને વીણી-વીણીને દેશમાંથી કાઢવાનું કામ બીજેપીની સરકાર કરશે. આ ઘૂસણખોરો દેશની સુરક્ષા માટે ખતરો છે. દેશ હવે ઘૂસણખોરોને બિલકુલ સહન નહી કરે. અમિત શાહે કહ્યું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે બહેનજીને આંબેડકર યાદ આવે છે. પરંતુ ચૂંટણી જીતવા પર તેઓ ફક્ત પોતાની મૂર્તિઓ લગાવે છે. નરેન્દ્ર મોદી સરકારે દલિત સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે ખૂબ કામ કર્યું છે. કોગ્રેસના અત્યાર સુધીના શાસનમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારું ગણાવતા અમિત શાહે કહ્યું કે, 55 વર્ષ સુધી રાહુલ બાબા એન્ડ કંપની દેશમાં શાસન કરતી રહી પરંતુ ગરીબોનું ભલુ કર્યું નથી. આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઇ નથી કર્યું. છેલ્લા પાંચ વર્ષમાં મોદીજીએ ગરીબી હટાવોનો નારો આપનારાઓને શીખવ્યુ છે કે ગરીબી કેવી રીતે દૂર થાય છે.