ઈટાનગરઃ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ વધુ એક રાજ્યમાં સરકાર ગુમાવે તેવી શક્યતા છે. અરૂણાચલ પ્રદેશમાં  ભાજપના 2 મંત્રી  અને 12 ધારાસભ્યો સહિત કુલ 14 નેતાઓ મંગળવારે પાર્ટી સાથે છેડો ફાડીને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)માં જોડાઈ ગયા છે.


ભાજપ છોડી જનારા ધારાસભ્યોમાં રાજ્યના ગૃહમંત્રી કુમાર વાઈ અને જારપુમ ગામલિન, પર્યટન મંત્રી જારકર ગામલિનનો પણ સમાવેશ થાય છે. આ પહેલાં સોમવારે પણ બીજેપીના 3 ધારાસભ્યો પાર્ટી છોડીને NPPમાં જોડાયા હતા. અત્યારે ભાજપના પેમા ખાંડુ અરૂણાચલના મુખ્યમંત્રી છે.



અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની કુલ સભ્યસંખ્યા 60 છે. ભાજપ પાસે 36 ધારાસભ્યો હતા પણ 17 ધારાસભ્યો જતાં હવે તેની પાસે 19 ધારાસભ્યો રહેતાં પેમા ખાંડુ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. બીજી તરફ નેશનલ પીપલ્સ પાર્ટી પાસે 16 ધારાસભ્યો હતા. ભાજપના 17 ધારાસભ્યો જોડાતાં તેની સભ્યસંખ્યા 31 પહોંચી છે.



કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 6 છે. આમ નેશનલ પીપલ્સ પાર્ટી પોતાની તાકાત પર સરકાર રચી શકે છે. અલબત્ત રાજ્યપાલ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. રાજ્યપાલ બી.ડી. મિશ્રા ભાજપના ઈશારે એનપીસી-કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે.