નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, 2019ની ચૂંટણી ભારતીય બંધારણને બચાવવાની ચંટણી છે. અમારુ લક્ષ્ય નરેન્દ્ર મોદીને ચૂંટણી હરાવવાનું છે. બીજેપીને છોડીને જે પણ સરકાર બનાવવાની સ્થિતિમાં હશે, અમે તેનુ સમર્થન કરીશું.


કેજરીવાલે કહ્યું કે, જે પણ સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે અમે તેને સમર્થન કરીશું. આજે બીજેપી અલ્પસંખ્યકોને ઘૂસણખોર માને છે, અમારુ લક્ષ્ય દરેકને સુરક્ષિત મહેસૂસ કરાવવાનું છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો મળતાં જ દિલ્હી પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓને ભરીશું.


આ પહેલા આપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ચૂંટણી ઢંઢેરામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જોનો મુદ્દો અમારો મુખ્ય ચૂંટણી મુદ્દો રહેશે.

ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાતેય બેઠકો પર આપ, કોંગ્રેસ અને બીજેપી અલગ અલગ લડી રહી છે. આ પહેલા કોંગ્રેસ અને આપના ગઠબંધનની વાતો વહેતી થઇ હતી, જોકે, બાદમાં તે બની શકી નહીં.