દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં દિલ્હી પૂર્વ બેઠક પરથી લડી રહેલાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર આતિશી માર્લેના વિરૂધ્ધ ફરતી થયેલી એક પત્રિકાના કારણે આપ અને ભાજપ વચ્ચે સામસામા ગંદા આક્ષેપો શરૂ થઈ ગયા છે. આતિશી સામે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર છે. આપનો આક્ષેપ છે કે, ગંભીરે આ પત્રિકા ફરતી કરાવી છે.




જો કે ગંભીરે આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. ગંભીરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પડકાર ફેંક્યો છે કે, આ પત્રિકા મેં ફરતી કરી છે તેવું સાબિત કરો તો હું અત્યારે ને અત્યારે મારી ઉમેદવારી પાછી ખેંચી લઈશ. ગંભીરે કેજરીવાલ પર ચૂંટણી જીતવા એક મહિલાની આબરૂ જાહેરમાં ઉછાળવાનો આક્ષેપ કર્યો છે.

આ પત્રિકામાં આતિશી સામે અત્યંત ગંદા આક્ષેપો છે. આતિશીને આમ આદમી પાર્ટીના એક ટોચના નેતાની રખાત ગણાવીને તેની સાથે સેક્સ સંબંધો હોવાનો દાવો કરાયો છે. આતિશીને પ્રોસ્ટિટ્યુટ ગણાવીને તે આમ આદમી પાર્ટીના આ નેતાના સંતાનની માતા બનશે તેવી ગંદી વાત પણ તેમાં કરાઈ છે.



આતિશીના અંગત જીવન વિશે પણ ઘણી ગંદી વાતો આ પત્રિકામાં છે. આતિશી સાથે સંબંધ હોવાનો દાવો કરાયો છે તે આપના નેતા વિશે પણ ગંદી વાતો તેમાં લખાયેલી છે. ભારતના ચૂંટણી પ્રચારનું સ્તર અત્યંત નિમ્ન કક્ષાએ ઉતરી ગયું છે તેનો આ પત્રિકા પુરાવો છે.