અમદાવાદઃ અમદાવાદમાં રોડ શો બાદ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને રાષ્ટ્રીય નેતાઓ રથમાં સવાર થયા હતા. અમિત શાહના રોડ શોમાં તેમનો પુત્ર જય શાહ અને ગુજરાતના પ્રદીપસિંહ સહિતના મંત્રીઓ પગપાળા ચાલ્યા હતા. અમિત શાહ ગૃહમંત્રી રાજનાથસિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશસિંહ બાદલ, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની હાજરીમાં ઉમેદવારી નોંધાવશે.



આ અગાઉ અમિત શાહે સભાને સંબોધી હતી. જેમાં અમિત શાહે કહ્યું કે, ગુજરાત પોતાનાં દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી  પત્રક ભરવા જઇ રહ્યો છું. મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હું અહીના એક નાના બૂથનો બુથ અધ્યક્ષ હતો. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેઇ સાંસદ રહ્યા. મારુ સૌભાગ્ય છે કે ભાજપે મને અહીંથી સાંસદ બનાવવા જઇ રહી છે. ભાજપ એક વિચારધારાની પાર્ટી છે. દીનદયાલજીના અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધનારી પાર્ટી છે.સભા સંબોધતા અગાઉ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્યાંજલિ અર્પિત કરી હતી. સભામાં  મોટી સંખ્યામાં કાર્યકર્તા, લોકો અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.