ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી પત્રક ભરતા કર્યા અગાઉ અમિત શાહે સભા સંબોધી હતી. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ગુજરાત પોતાનાં દીકરાને શાનની સાથે ફરીથી PM બનાવે. આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર પર ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી  પત્રક ભરવા જઇ રહ્યો છું. મને આજે 1982ના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હું અહીના એક નાના બૂથનો બુથ અધ્યક્ષ હતો. ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી વાજપેઇ સાંસદ રહ્યા. મારુ સૌભાગ્ય છે કે ભાજપે મને અહીંથી સાંસદ બનાવવા જઇ રહી છે. ભાજપ એક વિચારધારાની પાર્ટી છે. દીનદયાલજીના અંત્યોદયના સિદ્ધાંત પર આગળ વધનારી પાર્ટી છે.સભા સંબોધતા અગાઉ અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્યાંજલિ અર્પિત કરી હતી. સભામાં  મોટી સંખ્યામાં કાર્યકર્તા, લોકો અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.


ગૃહમંત્રી રાજનાથ સિંહે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે, કોગ્રેસ આજે વડાપ્રધાન મોદીને  ગાળો આપી રહી છે. તેમના નેતા રાહુલ ગાંધી કહે છે કે ચોકીદાર ચોર છે. હું કાર્યકર્તાઓને કહેવા માંગું છું કે તમે જવાબ આપો અને બોલો ‘ચોકીદાર ચોર નહીં, દોબારા પીએમ બનના શ્યોર હૈ’

એક જ મંચ પર ભાજપ-એનડીએના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ, નીતિન ગડકરી ઉપરાંત ઘટક પક્ષોના નેતા ઉદ્ધવ ઠાકરે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ વિશેષરૂપથી ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સહિત સમગ્ર મંત્રીમંડળ, પ્રમુખ જીતુ વાઘાણી સહિતના આગેવાનો તેમની સાથે જોડાયા છે. અમિત શાહ મેગા રોડ શો કરી ગાંધીનગરથી ઉમેદવારી પત્ર ભરશે.

દરમિયાન લોકોને સંબોધતા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અમિત શાહને શુભેચ્છા આપવા આવ્યો છું. અમારી વચ્ચે કોઇ વિવાદ નથી કારણ કે શિવસેના હોય કે બીજેપી પણ તેમની વિચારધારા એક જ છે. તે સિવાય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે મંચ પર નિવેદન આપતા કહ્યું કે, અમિત શાહ માણસ નથી  પણ સંસ્થા છે. તેઓ સૌથી મોટા આયોજક છે. અમિત શાહ જમીન સાથે જોડાયેલા નેતા છે.


ગાંધીનગર બેઠક પરથી આ વખતે ભાજપે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહને મેદાનમાં ઉતાર્યા છે. અડવાણી 1998થી આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરતા આવ્યા હતા. અમિત શાહ હાલમાં ગુજરાતથી રાજ્યસભા સભ્ય પણ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે 23 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે.



ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શુક્રવારે કહ્યું હતું કે શાહની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સમયે ભાજપના સહયોગી દળોના નેતાઓ ઉપસ્થિત રહેશે. આ તમામ નેતાઓ અમદાવાદમાં એક રોડ શોમાં ભાગ લે છે. શાહનો રોડ શો નારણપુરા સરદાર પટેલની પ્રતિમાંથી શરૂ થઈને ઘાટલિયામાં પૂર્ણ થશે. રોડ શો પહેલા અમિત શાહ લોકોને પણ સંબોધન કરશે.