હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, અમદાવાદમાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેના કારણે અમદાવાદમાં ગરમીનો પારો ઉપર જોવા મળ્યો હતો. ગરમીના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતા. તાપમાનમાં વધારો થતાં લોકોએ દિવસ દરમિયાન કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો.
ખાસ કરીને બપોરનાં 1થી સાંજનાં 5 વાગ્યા સુધી માથું ફાડી નાખે તેવી ગરમી પડે છે. આગામી બે દિવસ અમદાવાદ સહિત ગુજરાતમાં ગરમીનું જોર યથાવત્ રહ્યા બાદ ગરમીથી રાહત મળી શકે છે. હિટવેવની અસરોથી અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 43 ડિગ્રી સાથે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.