અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા તમામ ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે ભાજપે આ વખતની ચૂંટણીમાં આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપની વાત કરીએ તો તેમણે એક રૂપાણી સરકારના મંત્રી સહિત ચાર ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.




ભાજપની વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પર અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકીટ આપવામાં આવી છે. પાટણ બેઠક પર ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પંચમહાલ બેઠક પર લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે.



બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો ભાજપે રૂપાણી સરકારના મંત્રી અને થરાદના ધારાસભ્ય પરબત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ગત લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીયમંત્રી હરીભાઈ ચૌધરી ચૂંટણી લડ્યા હતા. જેમને આ વખતે ભાજપે ટિકીટ આપી નથી.



કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી બેઠક પર કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. પોરબંદરમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને સુરેન્દ્રનગર બેઠક પર લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપવામાં આવી છે.



જ્યારે જૂનાગઢ બેઠક પર ઉનાના ધારાસભ્ય પૂંજા વંશને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય વલસાડ બેઠક પર કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીને ટિકીટ આપવામાં આવી છે. એટલું જ નહીં, સાબરકાંઠા બેઠક પર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.