કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા બેઠક પરના બીજેપી ઉમેદવાર અનુપમ હાજરાએ ચોંકાવનારુ કામ કર્યુ છે. અનુપમ હાજરા બીરભૂમના તૃણમુલ કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ અનુબ્રત મંડલ સાથે મુલાકાત કરવા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) ઓફિસ પહોંચી ગયા. આ દરમિયાન તેઓ અનુબ્રત મંડલના પગે લાગ્યા હતા. આ મુલાકાતથી બંગાળમાં અટકળોનો દોર શરૂ થઇ ગયો હતો. અનુપમ હાજરાએ કહ્યું કે, 'હું ટીએમસી ઓફિસ કેસ્ટો ફાકૂ (અનુબ્રત મંડલ)ને મળવા આવ્યો હતો. મારા પિતા કેસ્ટો ફાકૂના સારા મિત્ર હતા. હાલમાં તેમની માતાનુ નિધન થયુ છે, એટલા માટે હું તેમને મળવા આવ્યો હતો.' ઉલ્લેખનીય છે કે, અનુપમ હાજરાને ટીએમસીએ આ વર્ષે જ જાન્યુઆરી મહિનામાં સસ્પેન્ડ કરી દીધો હતો. તે રાજ્યની બોલપુર બેઠક પરથી સાંસદ છે. ત્યારબાદ તે બીજેપીમાં સામેલ થઇ ગયા હતા. બીજેપીએ હાજરાને જાધવપુરથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ બેઠક પરથી અનુપમ હાજરાના નામાંકન દરમિયાન ચેમ્પિયન પહેલવાન 'ધ ગ્રેટ ખલી' શુક્રવારે અહીં ખુલ્લી જીપમાં ફર્યો હતો. હાજરાએ ખલી વિશે કહ્યું હતુ કે અમે જુના મિત્રો છીએ, ખલીએ પણ કહ્યું કે હાજરા મારા ભાઇ જેવા છે.