બનાસકાંઠા: હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આકરાં પ્રહારો કરી રહ્યા છે, તો અમુક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. હાલ ગુજરાતમાં અલ્પેશ ઠાકોરને લઈને જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ત્યારે એક પછી એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે.


દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખે ભાજપ અને અલ્પેશ ઠાકોરને લઈને મોટો આરોપ લગાવ્યો છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું નામ બળવંતજી ઠાકોર છે. તેમને જણાવ્યું હતું કે, અલ્પેશ ઠાકોરે ભાજપ પાસેથી 90 કરોડ રૂપિયા લીધા છે.

બીજી બાજુ ભાજપ પર આકરાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસની 4 લોકસભા સીટ હરાવવાનો ઠેકો અલ્પેશ ઠાકોરને આપ્યો છે. જેથી અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલો છે. તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે.

લાખણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે અલ્પેશ ઠાકોરને લઈને આ વિવાદિત નિવેદન આપ્યું હતું.  લાખાણીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય શિવા ભુરીયા, વસંત ભટોળ સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.