નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરેને લઈને કરવામાં આવેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના વિવાદિત નિવેદનથી પોતાના અલગ કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.


આ પહેલા આઈપીએસ એસોસિએશને પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પંચે તેમના નિવેદનની નોંધ લઈ તપાસની વાત કરી હતી.


ભાજપે શુક્રવારે એક નિવેદન જાહેર કરી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નિવેદનથી પોતાને અલગ કર્યા હતા. પાર્ટીએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા વીરગતિને પ્રાપ્ત થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે. જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞાના આ સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનનો વિષય છે, તો આ તેમનું અંગત નિવેદન છે, જે વર્ષો સુધી તેમની સાથે શારીરિક અને માનસિક પરેશાનીના કારણે આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી. તેમના કર્મ સારા ન હતા, આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. સાધ્વીએ કહ્યું કે 'જે દિવસે હું જેલમાં ગઇ તેના માત્ર 45 દિવસમાં જ આતંકીઓએ તેમનો અંત કરી નાખ્યો'