સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણમાં કોગ્રેસ નેતા હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિની ઓળખ થઇ ગઇ છે. તરુણ ગજ્જર નામનો આ વ્યક્તિ મહેસાણાના કડીના જસલપુરનો રહેવાસી છે. તરુણ ગજ્જર પાટીદાર આંદોલનથી નારાજ હતો. હાર્દિકને લાફો મારવા પાછળનું કારણ આપતા તરુણ ગજ્જરે જણાવ્યું કે, પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે સમયે મારી પત્ની પ્રેગનન્ટ હતી અને હોસ્પિટલમાં દાખલ હતી.
વધુમાં તરુણે જણાવ્યું કે, તે સમયે હું મારા બાળક માટે દવાઓ લેવા માટે જતો હતો ત્યારે તમામ દુકાનો બંધ રહેતી હતી. તે સમયે મારો દીકરો મરતા મરતા બચ્યો હતો. જેથી મેં નક્કી કર્યું હતું કે, હું હાર્દિક પટેલને પાઠ ભણાવીશ, એટલા માટે મે આજે હાર્દિકને થપ્પડ મારી હતી.
તરુણ ગજ્જરે કહ્યું કે, તે કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. તેણે આ પગલું પાટીદાર આંદોલન દરમિયાન થયેલી પરેશાનીઓના કારણે ઉઠાવ્યું છે. મે આ અગાઉ હાર્દિકને લાફો મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી નહોતી.
તરુણ ગજ્જરનું કહેવું છે કે શું હાર્દિક પટેલ હિટલર છે? ગુજરાત બંધ કરાવી દે છે. રસ્તાઓ બંધ થઇ જાય છે. દુકાનો બંધ થઇ જાય છે. સામાન્ય લોકોને નુકસાન ઉઠાવવું પડે છે. તરુણે હાર્દિક પટેલને 14 પાટીદાર યુવકના મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો.