નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા અને હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત ગમત મંત્રી અનિલ વિજે નવજોત સિંહ સિદ્ધુ પર હુમલો કર્યો છે. અનિલ વિજે કહ્યું કે સિદ્ધુએ બીજેપી અને કોંગ્રેસ બન્ને પાર્ટી સાથે છેતરપિંડી કરી છે. સિદ્ધુએ બન્ને પાર્ટીને નીચુ જોવડાવવાનું કામ કર્યુ છે. હવે સિદ્ધુ પાસે માત્ર એક જ વિકલ્પ છે કે તેમને પાકિસ્તાન જઇને ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ જોઇન કરી લેવી જોઇએ. ટ્વીટ કરતાં અનિલ વિજે કહ્યું ''નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ અને બીજેપી બન્ને પાર્ટીઓને નીચુ દેખાડવાનું કામ કર્યુ છે. તેમને બન્ને પાર્ટીઓને છોડીને તહરીક-એ-ઇન્સાફમાં જોઇન કરી લેવી જોઇએ.'' ઉલ્લેખનીય છે કે, તહરીક-એ-ઇન્સાફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી છે. ઇમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં વઝીર-એ-આઝમ છે, અને સિદ્ધુ અને તેમની મિત્રતા જગજાહેર છે.