અમદાવાદઃ ગુજરાતે આ વખતે 52 વર્ષનો વિક્રમ તોડીને મતદાન કર્યું હતું. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, કોઈ અંડર કરંટ છે. હવે એક્ઝિટ પોલે આ દાવા પર મહોર મારી છે. રવિવારે આવેલા તમામ એક્ઝિટ પોલ ગુજરાતમાં ભાજપનો 2014 જેવા બમ્પર વિજયનો દાવો કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગમે તે થયું હોય પરંતુ 2019માં ફરી એક વખત ગુજરાત મોદી-મોદી કરી રહ્યું છે.

એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને ફક્ત સૌરાષ્ટ્રમાં જ એક અથવા બે બેઠકો મળે તેવું અનુમાન છે. તેનો અર્થ એ થયો કે ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણમાં ભાજપની લહેર જળવવાઈ રહી છે. જોકે, આ માત્ર એક્ઝિટ પોલ છે. વાસ્તવિક પરિણામ 23 મેએ જ ખબર પડશે.

એબીપી-નીલ્સનના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 24 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ન્યૂઝ 24 અને ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને તમામ 26 બેઠરો મળવાનું અનુમાન છે. ટીવી-9 અને સી વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 22 અને કોંગ્રેસને 4 બેઠકો મળવાનું અનુમાન છે.

આ ઉપરાંત ન્યૂઝ 18 અને આઈપીએસઓના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને 25 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. ટાઈમ્સ નાઉ અને વીએમઆર વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. જ્યારે ઈન્ડિયા ટૂડે અને એક્સિસના એક્ઝિટ પોલમાં ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક મળવાનું અનુમાન છે. જોકે 23 મીએ જ સાચી ખબર પડશે.