નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના મતદાનને હવે ત્રણ દિવસ જ બાકી છે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂક્યું છે. ત્યારે ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પોતાની ન્યાય યોજના પર ફ્રન્ટફુટ પર રમી રહી છે, ત્યારે યુવાઓને રોજગારીના મુદ્દે પણ ચર્ચામાં છે. એવામાં ભાજપની સામે રાહુલ ગાંધીના ટોપ 5 માસ્ટરસ્ટ્રોકનો જવાબ દેવાનો પડકાર છે.

બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાને 'સંકલ્પ પત્ર' નામ આપ્યું છે. બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર, અયોધ્યા, મથુરા-કાશી કોરિડોર અને જમ્મુ-કાશ્મીર સંબંધિત કલમ 370 પર વાયદા કરી શકે છે.



તેની સાથે જ બીજેપી સમાન નાગરિક સંહિતા, ગૌરક્ષાને પણ ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપી શકે છે. ગરીબોને 72,000 રૂપિયા વાર્ષિક આપવાના કોંગ્રેસના વાયદાને ધ્યાને લઈ બીજેપી તરફથી સમાજના જુદા જુગા વર્ગોને આકર્ષવા માટે અનેક વાયદા કરવાની શક્યતા છે.

સંકલ્પ પત્રમાં ખેડૂત અને નવયુવાનોના હિતો સાથે જોડાયેલા વિષયોને મુખ્યત્વે પ્રસ્તુત કરવામાં આવી શકે છે. ખેડૂતોને લઈ બીજેપી મોટી જાહેરાત આ સંકલ્પ પત્ર દ્વારા કરી શકે છે. સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત આપવાની પહેલ પર વિસ્તારથી ચર્ચા થઈ શકે છે.