અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા વધુ છ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પાટણ બેઠક પર કોંગ્રેસે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને ટિકીટ આપી છે. ત્યારે ભાજપ આ બેઠક પર કોને ચૂંટણી લડાવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.



કોંગ્રેસ દ્વારા ઠાકોર બહુમતી ધરાવતી બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારી દીધા છે. જગદીશ ઠાકોર 2009માં ભાજપના ઉમેદવાર ભાવસિંહ રાઠોડ સામે ચૂંટણી જીત્યા હતા. ત્યારે હવે ભાજપ કોને ઉતારશે તે જોવાનું રહ્યું. આ બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપની સીટ પરથી લીલાધર વાઘેલા ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે તેમનું પત્તુ કપાય તેવી સંભાવના છે. આ બેઠક પર ભાજપ તરફથી નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી) અને ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીનું નામ ચાલી રહ્યું છે. જોકે, ભરતસિંહ આ રેસમાં આગળ છે.



બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ દ્વારા ભાજપમાંથી ટિકીટની માંગણી કરવામાં આવી હતી. જોકે, તેમને ટિકીટ ન મળતાં ઠાકોર સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે. ત્યારે પાટણ બેઠક પર ઠાકોર સમાજની વ્યક્તિને ટિકીટ આપીને ભાજપ તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કરી શકે છે.