આણંદ: સમગ્ર દેશમાં તમામ પક્ષો દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને લઈને ગુંચવણ જોવા મળી રહી છે. ભાજપના ત્રણ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે જ્યારે કોંગ્રેસના 13 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જોકે આણંદ બેઠક પર કોંગ્રેસે પહેલાં જ ઉમેદવાર જાહેર કરી દીધા હતાં.



આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનાં ભરતસિંહ સોલંકી લોકસભા ચૂંટણી લડવાના છે જ્યારે તેમની સામે ભાજપે મિતેષ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલ અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકી વચ્ચે જંગ જામશે.


એક તરફ ભરતસિંહ સોલંકીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે તો બીજી તરફ ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપીને ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. ભાજપની પણ પ્રતિષ્ઠાનો અહીં સવાલ ઉભો થયો છે ત્યારે આ બેઠક પર બન્ને પક્ષોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.



ભાજપે વર્તમાન સાંસદ દિલીપ પટેલનું પત્તું કાપીને નવા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. તો આ વખતે જોવાનું એ રહ્યું કે આણંદમાં કયા પક્ષનો વિજય થાય છે.