નવી દિલ્હીઃ 1 એપ્રિલ સોમવાર એટલે કે આજથી દેશની બે સરકારી બેંકના નામ બદલાઈ જશે. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, 1 એપ્રિલથી સાર્વજનિક ક્ષેત્રની વિજાય બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જર થઈ જશે. આ મર્જર બાદ સોમવારથી આ બન્ને બેંકની શાખાઓ બેંક ઓફ બરોડાની શાખા તરીકે કામ કરશે.


મર્જરની યોજના મુજબ વિજયા બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 402 શેર મળશે. એવી જ રીતે દેના બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 110 શેર મળશે. બેન્ક ઓફ બરોડાનો કુલ બિઝનેસ 14.82 લાખ કરોડનો થશે.



વડોદરા ખાતે વડુ મથક ધરાવતી બેંક ઓફ બરોડાની કુલ શાખાઓ હવે ૯૪૯૦ થઇ જશે. મર્જર પહેલાં બેંક ઓફ બરોડાની ૫૫૦૨, વિજ્યા બેંકની ૨૧૩૦ અને દેના બેંકની ૧૮૫૬ શાખાઓ હતો. બેંક ઓફ બરોડા હવે દેશની ત્રીજી સૌથી મોટી બેંક બનશે.

બેંક ઓફ બરોડાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય બેંકો હાલમાં ગ્રાહકોને સેવા રાબેતા મુજબ આપશે. બીજી તરફ છ મહિનાથી એક વર્ષ સુધીમાં કોઇ શાખાનું મર્જર કરવામાં નહીં આવે. ભવિષ્યમાં નજીકની શાખાઓને એકબીજા સાથે ભેળવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. ભુતકાળમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ભેળવી દેવામાં આવી હતી. ત્યારે આવી ઘટનાઓ બની હતી જેનું પુનરાવર્તન બેંક ઓફ બરોડામાં દેના અને વિજ્યા બેંકના મર્જરથી થઇ શકે છે. કર્મચારી સંગઠનો પણ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે.