નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019માં મળેલી પ્રચંડ બહુમતને લઇને દેશની જનતાનો આભાર માન્યો હતો. દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં વડાપ્રધાન મોદી સાથે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને જેપી નડ્ડા સહિત અનેક મોટા નેતાઓએ વડાપ્રધાન મોદીનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતુ.


પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આ જીત બૂથથી લઇને જમીન પર મહેનત કરનારા પ્રજાનો વિજય છે. આ સરકારની નીતિઓનો વિજય છે. વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો વિજય છે.


અમિત શાહે કહ્યું કે આ ઐતિહાસિક જીત છે. 50 વર્ષ બાદ કોઇ પાર્ટીને પૂર્ણ બહુમત  સાથે સરકાર ચલાવવાની મત મળી છે. આપણે 50 વર્ષની લડાઇ લડી  અને આપણને 17 રાજ્યોમાં 50 ટકાથી વધુ મત મળ્યા છે. પ્રજાએ પ્રચંડ બહુમત આપ્યો છે તો બીજી તરફ કોગ્રેસને કારમી હાર મળી છે. કોગ્રેસ 17 રાજ્યોમા પોતાનું ખાતુ પણ ખોલાવી શકી નથી. આ જીતે સ્પષ્ટ કરી દીધું છે કે 50 વર્ષથી કોગ્રેસ પરિવારવાદના જોર પર રાજનીતિ કરી છે. પરંતુ આપણી પાર્ટીએ અલગ કામ કર્યુ અને દેશની પ્રજાએ આપણને સમર્થન આપ્યું છે.